Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

સૌરાષ્ટ્ર પૂરમાં તણાયેલા ૬ લોકોનાં મૃતદેહ મળી આવ્યા

સૌરાષ્ટ્ર મૂશળધાર વરસાદથી તરબોળ : રેસ્ક્યૂ માટે ૮ બોટ ઉતારી હતી, સૌરાષ્ટ્રમાં જુદા-જુદા જિલ્લાઓમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવ્યાંં

રાજકોટ, તા.૧૮ : મૂશળધાર વરસાદથી સૌરાષ્ટ્ર તરબોળ બન્યું છે. જ્યાં જુઓ ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. સોમવારે સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લામાં પૂરના પાણીના તીવ્ર પ્રવાહમાં તણાઈ ગયેલા એક મહિલા સહિત વ્યક્તિઓના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, તેમ છતાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ, વેરાવળ અને દ્વારકાને જોડતો નેશનલ હાઇવે નંબર - પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. સતત પાંચમા દિવસે ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં પૂરના પાણી રસ્તાઓ પર ભરાઈ જતા અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. એટલું નહીં, અમરેલી જિલ્લાના ધારીના ગીર જંગલમાં ભારે વરસાદ બાદ શેત્રુંજી નદીમાં પૂર આવ્યું હતું. પૂરના પગલે શેત્રુંજી નદી અને ખોડિયાર ડેમ ઓવરફ્લો થવા લાગ્યા હતા. ઉપરાંત દલખાણિયા અને મિઠાપુર ગામમાં પણ ભારે વરસાદ પડ્યો હતો. શિંગોડા નદીમાં પૂર આવતા જિલ્લા અધિકારીઓને કોડીનાર-શિંગોડા ડેમના પાંચ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. ડેમમાંથી પાણી છોડાતા કોડીનારમાં શિંગોડા નદી ઉપરનો પુલ પણ પૂરના પાણીથી છલકાઈ ગયો હતો. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકામાં માસુંદરી નદીમાં પૂર આવ્યા બાદ ડોનેશવર પુલ પર ટ્રાફિક પણ ખોરવાયો હતો.

દરમિયાન કચ્છ જિલ્લાના માંડવીના કોટડી ગામે પૂરના પાણી ભરાતા કોટડી નદીના જોરદાર કરંટમાં ૭૦ ભેંસ અને સાત ગાય તણાઈ ગઈ હતી. જેમાંથી ૧૭ ભેંસને બચાવી લેવામાં આવી હતી. કચ્છના મુન્દ્રા તાલુકાના ધ્રાબ ગામે કેસર તુર્ક (૨૮) અને તેના પતિ ગુલામ તુર્ક (૩૦)ની લાશને પૂરના પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. રવિવારે મોડી રાત્રે કેસરનો મૃતદેહ મળી આવ્યો હતો, જ્યારે ગુલામનો મૃતદેહ સોમવારે સવારે મળી આવ્યો હતો.

(7:39 pm IST)