Gujarati News

Gujarati News

News of Tuesday, 18th August 2020

અંજાર, ભુજમાં આજે બીજે દિ' ત્રણથી સાડા ત્રણ ઈંચ વરસાદ, અન્યત્ર ભચાઉ બે ઈંચ, નખત્રાણા એક ઈંચ, મુન્દ્રામાં ૧૫ વર્ષે ઓગનેલા તળાવે લીધો યુવાનનો ભોગ

કોંગ્રેસે મુન્દ્રાના ધારાસભ્યની હાજરીમાં યુવાનના ડૂબવાની ઘટના અંગે કર્યો બેદરકારીનો આક્ષેપ, મુન્દ્રા અદાણી ટાઉનશીપ અને ઓઈલ ટેન્ક ફાર્મ તરફ જુના બંદરે જતાં માર્ગમાં ભંગાણ

 

ભુજ :કચ્છમાં ગઈકાલથી સર્જાયેલા વરસાદી માહોલ વચ્ચે આજે સતત બીજે દિવસે મેઘરાજાએ ભુજ અને અંજાર પર હેત વરસાવ્યું છે. ભુજમાં ત્રણ ઇંચ જ્યારે અંજારમાં સાડા ત્રણ ઈંચ વરસાદ આજે નોંધાયો છે. જ્યારે કચ્છમાં અન્યત્ર ભચાઉમાં બે ઈંચ જ્યારે નખત્રાણામાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, આગાહી સાથે આખા કચ્છમાં વરસાદી માહોલ છે, પણ મેઘરાજાએ ૧૦ તાલુકાઓ પૈકી ૪ તાલુકા માં હાજરી પુરાવી છે.

 દરમ્યાન આ વર્ષે સતત ભારે વરસાદના કારણે દોઢ દાયકા બાદ ઓગનેલા મુન્દ્રાના તળાવે આશાસ્પદ યુવાન તરવૈયાનો ભોગ લીધો હતો. આ દુર્ઘટના આજે સવારે જેરામસર તળાવ વધાવતી વખતે બની હતી. જેમાં તળાવમાં શ્રીફળ લેવા ડૂબકી લગાવનારા ત્રણ તરવૈયાઓ પૈકી જાકબ કારા નામનો યુવાન તળાવમાં ગરકાવ થઈ ગયો હતો. કોંગ્રેસના સાંસદ અને પ્રવક્તા તથા મુન્દ્રામાંથી વિધાનસભાની ચૂંટણી લડનારા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને પૂરતા સાધનો કે સાવચેતી વગર બનેલી આ ઘટના બાદ યુવાનને બચાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ટ્વીટ કર્યું હતું. જ્યારે કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ મુન્દ્રાના જેરામસર તળાવની મુલાકાત લીધી હતી

 . ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, સરપંચ ધર્મેન્દ્ર જેસર સહિત ભાજપના આગેવાનો અને તંત્રના અધિકારીઓની હાજરીમાં યુવાનના ડૂબી જવાની ઘટના અંગે સવાલો કરી બેદરકારીના આક્ષેપો કર્યા હતા. પૂરતા સેફટીના સાધનો વગર તળાવ વધાવવાના પ્રસંગે સોશ્યલ ડિસ્ટન્સ નહીં જાળવવાની બેદરકારી સંદર્ભે પણ તેમણે ભજપના આગેવાનો ઉપર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસે મૃતક યુવાનના પરિવારને ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવાની માંગણી સરકારને કરી છે.

, મુન્દ્રામાં ભારે વરસાદને પગલે જુના બંદર તરફ જતો પાકો રસ્તો વરસાદથી તૂટી ગયો હતો. મુખ્ય રસ્તાના નબળા બાંધકામ સામે લોકોમાં ચર્ચા જાગી છે. અદાણી સમુદ્ર ટાઉનશીપ કોલોની તેમ જ દેશની જાણીતી પેટ્રોલિયમ કંપનીના ઓઇલ ટેન્ક ફાર્મ આ રસ્તે આવેલા હોઈ અનેક લોકો અને વાહનો માટે મુશ્કેલી સર્જાઈ છે.

(9:53 pm IST)