Gujarati News

Gujarati News

News of Saturday, 18th September 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા

સંગઠન વિસ્તૃતિકરણના હેતુ માટે બાબરા ખાતે તાલુકા શહેર સમિતિની મીટીંગ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૧૮ : જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠન વિસ્તૃતિકરણના હેતુથી બાબરા ખાતે તાલુકા અને શહેર સમિતિની મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

આ મીટીંગમાં બાબરા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિની કારોબારીની રચના કરવા અને કોંગ્રેસ પક્ષના તમામ સેલ ફ્રન્ટલના હોદાઓની નિમણુંક બાબત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ સાથે જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણીએ વિચારણા કરી, હાજર કોંગ્રેસ અગ્રણીઓના મંતવ્ય મેળવ્યા હતા. અને પ્રદેશ કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલ 'કોવિડ ન્યાય યાત્રા' કાર્યક્રમની વિસ્તૃત સમજ આપી, કોરોના મહામારીમાં મૃત્યુ પામેલ મૃતકો ને રૂ.૪ લાખની સહાય માટે માંગણી કરવા કોંગ્રેસના કાર્યકરોને મદદરૂપ થવા જણાવ્યું હતું.

કોંગ્રેસના દરેક પાયાના કાર્યકરોએ આ તકે કોઈપણ જાતના રાગદ્વેષ વિના એકસંપ થઈ ભાજપ સામે લડવા માટે જિલ્લા સમિતિ દ્વારા જે કોઈ નિમણુંકો કરવામાં આવશે તે સર્વમાન્ય રહેશે એવી ઈચ્છા જિલ્લા પ્રમુખ સમક્ષ વર્ણવી હતી.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે.રૈયાણીએ કોંગ્રેસ પક્ષના સક્રિય અને વફાદાર કાર્યકર્તાઓને જ જવાબદારી ઓ સોંપવામાં આવશે તેમ જણાવેલ હતું.

આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ ડી.કે.રૈયાણી, પૂર્વ પ્રમુખ પંકજભાઈ કાનાબાર, પ્રદેશ મહિલા કોંગ્રેસ મહામંત્રી હંસાબેન જોશી, જિલ્લા મહામંત્રી  જનકભાઈ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, અનુ.જાતી મોરચા પ્રમુખ હસુભાઈ બગડા, જિલ્લા કિસાન સેલના સત્યમભાઈ મકાણી, અમરેલી તાલુકા કોંગ્રેસ મહામંત્રી વિપુલભાઈ પોકિયા, બાબરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ જસમતભાઇ ચોવટિયા, જિ.પં. નેતા વિપક્ષ પ્રભાતભાઈ કોઠીવાળ, મનસુખભાઇ પડસાલા, બાવાલાલ હીરપરા, ચંદુભાઈ સાકરીયા, મુસાભાઈ સહિત ના અગ્રણીઓ તથા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(1:00 pm IST)