Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

નિખિલ દોંગાને ભુજની જેલમાંથી ભગાડવાના ગુનામાં મદદગારી કરનાર આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૧૮ :  સૌરષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં ચકચાર જાગેલ તે સૌરાષ્ટ્ર વિસ્તારના નામાંકીત અને ગોંડલના ગુજસીટોકના આરોપી નિખિલ ઉર્ફે નિકુંજ રમેશભાઇ દોંગાને ભુજ જેલમાંથી સારવાર અર્થે સીવીલ હોસ્પીટલમાં દાખલ કરેલ જયાંથી તે ભાગી જતા પુરા ગુજરાતની પોલીસને ધંધે લગાડનાર નિખિલ દોંગાને પોલીસ જાપ્તા હેઠળથી ભગાડવામાં મદદગારી કરનાર આકાશ વિનુભાઇ આર્યાને નામદાર ગુજરાત હાઇકોર્ટ જામીન ઉપર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

બનાવની હકીકત જોઇએ તો ખુનના ગુન્હામાં ગોંડલ જેલ હવાલે રહેલ નિખિલ દોંગા વિરૂદ્ધ ગુજસીટોક હેઠળ ગુન્હો દાખલ કરી તેને ભુજ જેલમાં મોકલવામાં આવેલ જે ભુજની પાલારા જેલમાંથી સારવાર અર્થે નિખિલને જી.કે.જનરલ હોસ્પીટલ ખાતે લઇ જવામાં આવેલ અને તા.૨પ-૩-૨૦૨૧ થી તા.૨૯-૩-૨૦૨૧ સુધી સારવાર લીધેલ બાદ રાત્રીના ભરત નામના વ્યકિત તથા અજાણ્યા વ્યકિતની મદદગારીથી પોલીસ જાપ્તામાં રહેલ પોલીસવાળાની બેદરકારીના કારણોસર ભુજ હોસ્પીટલમાંથી ફોરવ્હીલ કારમાં સવાર થઇ નિખિલ દોંગા નાશી જતા પુરા ગુજરાતમાં ચકચાર જાગેલ જે ગુન્હાની ફરીયાદ ભુજમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ સામે રહેતા સહદેવસિંહ માવસંગભાઇ ચૌહાણે ભુજ બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નિખિલ દોંગા સહીતનાઓ વિરૂદ્ધ તા.૨૯-૩-૨૦૨૧ના ગુન્હો દાખલ કરાવેલ.

તમામ પક્ષેની રજુઆતો, રેકર્ડ પરની હકીકતો લક્ષે લેતા સદર કામે ચાર્જશીટ ફાઇલ થઇ ગયેલ હોય, ગુન્હાહીત ભૂતકાળ ન હોય સહઆરોપીઓના પોલીસ કસ્ટડીના નીવેદનના આધારે સંડોવવામાં આવેલ હોય, નિખિલ દોંગાને ફેસેલીટી પુરી પાડવા ઘડેલ કાવત્રા સબંધેનો કોઇ સ્વતંત્ર પુરાવો કે મીટીરીયલ રેકર્ડ પર નથી કે જેના  આધારે દરેક આરોપીઓએ સ્વતંત્ર રીતે અથવા અલગ રીતે નિખિલ દોંગાને ભગાડવામાં મદદગારી કરેલ હોય, ગુન્હાની સજાની જોગવાઇ, આરોપીનું સોસાયટીમાં સ્થાન, ટ્રાયલ સમયેની હાજરી વિગેરે તમામ હકીકતો નજર અંદાજે લઇ અરજદારને જામીન ઉપર મુકત કરવા મુનાસીફ માની ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદાર આકાર વિનુભાઇ આર્યાને રેગ્યુલર જામીન પર મુકત કરતો હુકમ ફરમાવવામાં આવેલ.

ઉપરોકત કામમાં અરજદાર આકાર આર્યા વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, ચેતન ચોવટીયા, રીપલ ગેવરીયા, પાર્થ સંઘાણી, મંથન વીરડીયા તથા હાઇકોર્ટના એડવોકેટ પ્રતિક જસાણી રોકાયેલ હતા.

(11:48 am IST)