Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

જસદણમાં મહિલા સ્વામિનારાયણ મંદિરનું ખાતમૂહુર્ત

રાજકોટ ગુરૂકુળના સંતોએ સત્સંગ લાભ આપ્યો : કૈલાસનગરમાં મંદિર બંધાશે મંદિરો થકી માનસિક શાંતિ અને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર મળી શકે : પ્રભુ સ્વામી

જસદણના કૈલાસનગર ખાતે સ્વામિનારાયણ મહિલા મંદિરના ભૂમિપૂજન પ્રસંગે પ્રભુ સ્વામી, મંગલસ્વરૂપદાસજી સ્વામી, નિલકંઠસ્વરૂપદાસજી સ્વામી, સાધ્વીજીઓ, હરિભકતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેની તસ્વીરી ઝલક.

રાજકોટ તા. ૧૮ : સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૨૦૦ વર્ષ પહેલા સ્વામિનારાયણ ભગવાને પુરુષોને જેટલું સ્થાન આપ્યું હતું  તેથી પણ વધુ સ્થાન અને અધિકારો મહિલાઓને આપેલ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની જેમ મહિલાઓને, સાધ્વીજીઓને દીક્ષા આપનાર ગુરૂ પણે મહિલાઓની જ નિયુકિત કરેલ.  તેઓ  મહિલાઓને જ મંત્રદીક્ષા, ઉપદેશ વગેરે આપી શકે છે.

મહિલાઓના મંદિરો જુદા હોવાથી તેમાં આરતી, ધૂન, પ્રાર્થના, સંગીત સાથે કીર્તન આરાધના, સત્સંગ પ્રવચનો, વ્યાખ્યાનમાળાઓ હીંડોળા, અન્નકૂટ, ધૂળેટી વગેરે સમૈયા ઉત્સવો મહિલાઓ જ કરે છે.

જસદણમાં મહિલાઓનો સત્સંગ વિશેષ પ્રમાણમાં વધતા અહીં પણ પ્રેમવતી મહિલા મંદિર કરવાની સ્થાનિક હરિભકતોએ માગણી કરતા ખાતમુહૂર્ત કરવામાં આવેલ. 

આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળના શ્રી પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ૪૦૦૦ ચાર હજાર ઉપરાંત નાના મોટા મંદિરો તથા સત્સગ કેન્દ્રો છે.  જેમાં લોકો નિત્ય આરતી, સ્તુતિ, પ્રાર્થના, સત્સંગ , નાના-મોટા સમેયા ઉત્સવો કરવાની સાથે વિવિધ પર્વો મનાવે છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ભગવાનની ઉપાસના સુચારું રીતે પ્રવર્તિત થતી રહે એટલા માટે મંદિરો હોય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ૨૦૦ વર્ષ પૂર્વ પોતાની હયાતીમાં ગઢડા, વડતાલ, જુનાગઢ, અમદાવાદ,  ભુજ અને ધોલેરા ધામમાં છ મોટા શિખરબદ્ઘ મંદિરો બંધાવેલા. સ્વયં ભગવાને આ મંદિરોમાં પથરા, ઈંટો વગેરે ઉપાડી પાયામાં રાખેલ.

મંદિરોમાં બાળકો, યુવાનો તથા વડીલો ભજન ,કીર્તન કરી માનસિક શાંતિ મેળવે છે. અહીં સંતો, બાળકો તથા યુવાનોને જયારે સાધીજીઓ બાલિકા તથા યુવતીઓને ભારતીય સંસ્કૃતિના સંસ્કાર  આપવાનું કાર્ય કરે છે અને માતા-પિતાની સેવા કરવી, તેમને પૂજય પણે માનવા, દારૂ ન પીવો, માંસ ન નાખવું, ચોરી ન કરવી, વ્યસન ન કરવા વગેરે દ્વારા સદાચારમય જીવન જીવતા શીખવે છે. પરિણામે સ્વામિનારાયણ સંપ્રદાય વ્યસન મુકત  સંપ્રદાય કહેવાય છે.

જસદણ શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત શાસ્ત્રી શ્રી ધર્મનંદનદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ નિર્માણ થનાર મંદિરના લાભાર્થે ત્રણ દિવસની સત્સંગ વ્યાખ્યાનમાળાનું આયોજન કરેલ. જેમાં રાજકોટ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સંસ્થાનના શાસ્ત્રી શ્રી મંગલ સ્વરૂપ દાસજી સ્વામી તથા શાસ્ત્રી શ્રી નીલકંઠદાસજી સ્વામીના વકતા પદે શ્રોતાઓને સત્સંગ લાભ અપાવેલ. સાધ્વી મહિલાઓએ બહેનોને વિશેષ પણે સત્સંગનો લાભ આપેલ.

૧.૨૦ કરોડના ખર્ચે તૈયાર થનાર આ મહિલા મંદિરમાં વિશાળ સત્સંગ પ્રાર્થના ભવન, મંદિર , બાલિકાઓ તથા યુવતીઓ માટે સંગીત વગેરેના કલાસો, સાધ્વીજીઓને રહેવાની વ્યવસ્થા તેમજ બહારગામથી આવનાર ગ્રહસ્થ મહિલા ભકતોને રહેવાની સગવડતા થશે.

મંદિરનાખાત મૂહૂર્ત પ્રસંગમાં  ગઢપુરથી શાસ્ત્રી ભકિતજીવનદાસ સ્વામી વગેરે સંતો તથા શ્રી હરિ નમકીન વાળા વિપુલભાઈ સુલીયા ડોકટર શ્રી કટેશીયા, ડોકટર શ્રી સાવલિયા, શૈલેષ માલવીયા. વીંછીયાથી ડો.મકાણી તેમજ મોરબીથી મગનભાઈ ભોરણીયા, સુરતથી વિભુ ભગત, ગોપાલભાઈ વોરા,તથા રાજકોટથી શ્રી હરકાંતભાઈ છનીયારા, કાન્તીભાઈ પટેલ, રામજીભાઈ ટીલાળા ઉપરાંત બોટાદ, ભાવનગર, કમળપુર, જીવાપર, આંબરડી, લાઠી વગેરે ઉપસ્થિત રહેલ  ૧૫૦ ઉપરાંત હરિભકતો તથા મહિલાઓના હસ્તે સુરત ગુરુકુલના ભૂદેવશ્રી હર્ષવર્ધનજીએ ઇંટોનુ પૂજન વગેરે ખાતમુહૂર્ત વિધિ કરાવેલ

(12:03 pm IST)