Gujarati News

Gujarati News

News of Monday, 18th October 2021

કચ્છના પાણી તેમજ સિંચાઇના પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવવા હું પ્રયત્નશીલ : ડો. નીમાબેન આચાર્ય

ભુજના ગ્રામીણ વિસ્તારોમાં નારાણપર (રાવરી) તેમજ કોડકી ગામે વિધાનસભા અધ્યક્ષાનું સન્માન

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૮ : ભુજ તાલુકાના નારાણપર (રાવરી) તેમજ કોડકી ગામ મધ્યે વિધાનસભા અધ્યક્ષા ડો. નીમાબેન આચાર્યનો અભિવાદન સમારોહ યોજાઈ ગયો. ડો. નીમાબેન આચાર્યએ સન્માનનો પ્રત્યુત્તર આપતાં જણાવ્યું હતું કે નારાણપર ગામ મે દતક લીધેલ છે તો અહી વિકાસમાં કોઈ વિક્ષેપ ન રહે તેની હું ખાસ કાળજી રાખું છું. આ ઉપરાંત રાજકારણને સેવાનું માધ્યમ ગણાવી પોતાને પ્રજાની સેવાનો લ્હાવો મળ્યો તે માટે તેમણે પોતાની ધન્યતા વ્યકત કરી હતી. વધુમાં ડો. નીમાબેને કચ્છ જિલ્લાને સ્પર્શતા પીવાના પાણી અને નર્મદાની સિંચાઈના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે પ્રયત્નશીલ રહેવાની ખાત્રી ઉચ્ચારી હતી.

બન્ને ગામો પૈકી નારણપર ગામે ૬૦ જેટલી તેમજ કોડકી ગામમાં ૩૦ જેટલી વિવિધ સામાજિક, રાજકીય, શૈક્ષણિક તેમજ ધાર્મિક સંસ્થાઓ અને વિવિધ સમાજના અગ્રણીઓ દ્વારા વિધાનસભા અધ્યક્ષ તરીકેનું ગૌરવ પૂર્ણ પદ મેળવવા બદલ ડો. નીમાબેન આચાર્યનું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, તાલુકા પંચાયત પ્રમુખ મંજુલાબેન ભંડેરી, સરસ્વતી કન્યા વિદ્યાલય, નારાણપરના પ્રમુખ અરજણભાઈ પિંડોરીયા, અગ્રણી કુંવરબેન મહેશ્વરી, અરવિંદભાઈ પિંડોરીયા, ભીમજીભાઈ જોધાણી, પુરબાઇ વેકરીયા, હંસાબેન ભુડિયા, ધનજીભાઈ, શિક્ષણ નિરીક્ષક વસંતભાઈ તેરૈયા, શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ તેમજ આસપાસ ગામના અગ્રણીઓ અને નારાણપર ગામના ગ્રામજનો તોકોડકી ખાતે આગેવાનો ઉપરાંત કોડકી સરપંચશ્રી દેવલબેન, મનજીભાઈ, ઉર્મિલાબેન ગોરાણી, અમરબાઈ હિરાણી તેમજ આજુબાજુ ગામના સરપંચ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(12:04 pm IST)