Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

પડધરીના શકિતનગરમાં લુખ્‍ખા તત્‍વોનો ત્રાસ : વેપારીઓ પરેશાન : પોલીસને રજૂઆત

રાજકોટ તા. ૧૯ : પડધરીના શક્‍તિનગરમાં આવારા તત્‍વોના ત્રાસથી વેપારીઓ પરેશાન થયા છે.ડીમોલેશન બાદ પણ તેમાં રહેતા અસામાજિક તત્‍વો સામાન સાથે પડ્‍યા પાથર્યા રહેતા હોવાની રાવ ઉઠી છે. સ્‍થાનિક પોલીસને રજુઆત છતાં કાર્યવાહીમાં કેમ ઢીલાશ છે તે પ્રશ્ન ઉઠયો છે.

આ અંગે શક્‍તિનગરના વેપારીઓએ જણાવ્‍યું કે બસ સ્‍ટેન્‍ડ થી ફાટક સુધીના  મેઈન રોડ ઉપર જે ઝુંપડાઓ હતા તેનું દબાણ તાલુકા વિકાસ અધિકારી દ્વારા હટાવી દેવામાં આવ્‍યું હતું પણ આ ઝુંપડા ધારકોએ હજુ સુધી ત્‍યાંથી કબ્‍જો છોડ્‍યો નથી. તેઓ ત્‍યાં જ રહે છે અને તેઓનો સામાન પણ ત્‍યાં જ પડ્‍યો રહે છે.

આ ઝુંપડાધારકોમાંથી અમુક અગાઉ ચોરી સહિતની અનેક ગેરકાનૂની પ્રવૃતિઓમાં સામેલ છે. ઉપરાંત તેઓ હજુ પણ ચોરીની ફિરાકમાં સતત આ વિસ્‍તારોમાં પેરવી પણ કરતા રહે છે. વધુમાં અમુક તત્‍વો નશો કરીને સતત ગાળો ભાંડી આ વિસ્‍તારમાં ખૌફ ફેલાવે છે.

આ ઝુંપડાધારકોમાં અમુક મહિલાઓ પણ સામેલ છે. આ તમામ રાત્રીના સમયે મેળાવડા કરીને એકબીજા ઝઘડતા હોય છે. અહીંથી કોઈ મહિલાઓને નીકળવું પણ અઘરું બનતું હોય છે. આ ઉપરાંત સ્‍થાનિકો ઉપર પણ ત્રાસ ગુજારતા હોય છે. અગાઉ તંત્ર દ્વારા માત્ર તેમના ઝુંપડા તોડી પાડવામાં આવ્‍યા હતા. પણ તેમને ત્‍યાંથી હટાવવામાં આવ્‍યા નથી. હાલ તેઓ ત્‍યાં જ પડ્‍યા પાર્થયા રહીને ત્રાસ ગુજારી રહ્યા છે. ઉપરાંત અહીંના દુકાનદારો અને રહેવાસીઓને સતત ચોરીનો ભય સતાવ્‍યા કરે છે. આ અંગે સ્‍થાનિક પીએસઆઇને રજુઆત કરી હતી પણ તેઓએ હજુ સુધી કોઈ કાર્યવાહી કરી નથી.

(1:32 pm IST)