Gujarati News

Gujarati News

News of Thursday, 19th January 2023

બાબરાના લુણકી પાસે ટ્રક-કાર વચ્‍ચે અકસ્‍માતમાં ઇંગોરાળાના દ્વારકેશભારથી ગૌસ્‍વામીનું મોત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧૯ :.. બાબરા અને ચીતલ વચ્‍ચે લુણકી ગામ પાસે આજે વહેલી સવારે ટ્રક અને કાર વચ્‍ચે અકસ્‍માત થતા કારમાં સવાર ઇંગોરાળા ગામના દ્વારકેશભારથી હસમુખભારથી ગૌસ્‍વામીનું ઘટના સ્‍થળે જ મોત થતા પરીવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

આ અંગે બાબરા પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આજે વહેલી સવારે ટ્રક નં. જીજે-૧૪ -ઝેડ-૬૬૧૩ અને કાર નં. જીજે-પ-સીઇ-પ૭૪૭ વચ્‍ચે અકસ્‍માત સર્જાતા કારમાં સવાર બાબરા તાલુકાનાં ઇંગોરાળા ગામના દ્વારકેશભારથી હસમુખભારથી ગૌસ્‍વામી ઉ.વ.૩૦ નું મોત થતા પરિવારમાં અરેરાટી છવાઇ ગઇ છે.

દ્વારકેશભારથી પરણીત હતા તેઓ ઇંગોરાળા ગામે ખેતી કામ કરી ગુજરાન ચલાવતા હતા તેમને સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે.

ઉલ્લેખનીય છે કે બાબરાથી અમરેલી રોડ બહુ જ સાંકડો હોય તેમજ બંને તરફથી રોડની સાઇડોમાં પણ સરખી ભરતી ન હોય આ રોડ ઉપર છાશવારે અકસ્‍માત થાય છે. આ રોડ તાત્‍કાલીક પહોળો કરી બંને સાઇડમાં ભરતી કરવાની લોક માંગણી છે.

(1:46 pm IST)