Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

અમરેલી નાગરિક બેન્કના લોકરમાંથી રેઢા મળેલા ૧પ લાખના ઘરેણાં પરત આપનાર ગ્રાહક મંજુલાબેનના પરિવારનું સન્માન કરાયું

 (અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,     તા.૧૯ : ૧ર મી જાન્યુઆરીએઅમરેલીની નાગરીક સહકારી બેંકમાં લોકર વિભાગની અંદર રેઢા મળેલા ૩૦૦ ગ્રામ ઉપરાંતના સોનાના ઘરેણા  બેંકના જ એક ગ્રાહકે-પ્રામાણીકતા દેખાડી બેંક સ્ટાફને આપ્યા હતા અને બેંકના રાહબર પી.પી. સોજીત્રાએ ડીટેકટીવ પધ્ધતિથી ઘરેણાના મુળમાલીકને  શોધી આજે પરત કરતા મુળ માલીક એવા ભુદેવ પરિવારે આશીર્વાદ વરસાવ્યા હતા.   

આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે, ગઇ ૧રમી જાન્યુઆરીએ નાગરીક બેંકના લોકર વિભાગમાંથી ત્યાં ગયેલા મંજુલાબેન કમલેશભાઈ  બોકરવાડીયા નામના ગ્રાહકને રેડી હાલતમા ંઘરેણા મળી આવ્યા હતા અને તેમણે બેંકના મેનેજર  આવિષ્કાર ચૌહાણને  આપતા  સોજીત્રા તથા જવેશભાઈ નાકરાણી, મનસુખભાઈ ધાનાણી (કાકા), ભાવિન સોજીત્રા  સહિતની ટીમે ૧ર તારીખે લોકર રૂમમાં ગયેલા ગ્રાહકોની યાદી જોતા તેમાં ૧૫ ગ્રાહકો ગયા હોવાનું જાણવા મળ્યુ હતુ આથી તમામને રજીસ્ટર એડી. દ્વારા  કોઇના ઘરેણા પડી ગયા છે કે કેમ તેની પૃચ્છા કરી હતી અને અખબારોમાં જાહેર ખબરો પણ આપી હતી.  

૧૪ ગ્રાહકોએ પોતાના ઘરેણા ન હોવાનું જણાવેલ પરંતુ એક ગ્રાહક જનકરાય દલપતરાય અધ્યારૂએ પોતાની એક ચાંદીની ગાય પડી ગઇ હોવાનું  જણાવેલ હકીકતમાં ઘરેણા વધારે હતા જેથી ફરી વખત તેમને પુછપરછ કરાતા તેમણે ૩ થી ૪ ઘરેણાનું લીસ્ટ આપ્યુ હતુ અને ત્યાર બાદ તેણેે ત્રીજીવખત ૧૫  થી ૨૦ ઘરેણાનું લીસ્ટ આપતા બેંક મુંજાઇ ગઈ હતી કારણ કે તેમણે આપેલ લીસ્ટ જેટલા ઘરેણા ન હતા.   

આથી શ્રી સોજીત્રાએ પત્રકારોની ઉપસ્થિતીમાં પ્રમાણીકતાથી ઘરેણા બેંકને આપનાર મંજુલાબહેન બોકરવાડીયાનું સન્માન કર્યું હતુ  અને જનકભાઇના પરિવારને બોલાવી તેમાં તેમના ઘરેણાની સાથે બેંકના કર્મચારીના ઘરેણા પણ સાથે રાખી અને પરિવારને તેમાંથી પોતાના ઘરેણા  ઓળખી બતાવવાનું કહેતા અધ્યારૂ પરિવારના મોભી જ્યોત્સાબેને આ ઘરેણા ઓળખી બતાવતા તે ઘરેણા તેમને પરત અપાયા હતા. ૩૦૯ ગ્રામ સોનાના આ ઘરેણાની કિંમત અત્યારે ૧૫ લાખ કરતા વધારે થતી હતી.

(12:48 pm IST)