Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2024

હું સાંસદ નહી, સાથી બનવા આવ્યો છુ : ભાજપનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો, છતાં અઢારેય વરણ તકલીફો ભોગવે છે : આજે સ્વાભિમાન યુદ્ધનો શંખનાદ કરવા આવ્યો છુ, આધુનિક અંગ્રેજોના ત્રાસથી રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છુ, ખરા "રામ રાજ્ય" ની પુન: સ્થાપના કરવા આવ્યો છુ : ડ્રગ્સનો દરવાજો બંધ કરવા આવ્યો છુ, દિકરીઓના દામનને દાગ ભુંસવા આવ્યો છુ, સતાના અહંકારને ઓગાળવા આવ્યો છુ સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છુ : અંગ્રેજો સામેની પહેલી લડાઈનું નેતૃત્વ ગુજરાતે લીધું હતું ત્યારે આજે ગુજરાતને ફરી આઝાદી અપાવવા રાજકોટ આવ્યો છું : 2002 માં દુધ પિતા ધારાસભા જીત્યો, આજે 22 વર્ષ પછી છાસ પણ ફુંકી ફુંકીને પીવુ છુ : પરેશભાઈ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠકથી પરેશભાઈ ધાનાણીએ વિજય મુહુર્તમાં ઉમેદવારી નોંધાવી :રૂપાલા અને ધાનાણી 22 વર્ષ પછી ફરી આમને સામને ચૂંટણી જંગ લડશે : જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, અતુલ રાજાણી, વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા ,ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ, મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ અને લોકો ઊમટી પડ્યાં

  રાજકોટ તા.૧૯   :લોકસભાની ચૂંટણી પ્રક્રિયામાં આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. ત્યારે રાજકોટ લોકસભા બેઠકથી કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણીએ આજે બપોરે 12.39 વાગ્યે વિજય મુહૂર્તમાં પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું છે. ઉમેદવારી પત્ર ભરતા પહેલા બહુમાળી ભવન ચોક પાસે રેસકોર્સના મેદાનમાં જાહેર સભા યોજવામાં આવી હતી. પરેશભાઈ ધાનાણી સભાસ્થળે પહોંચતા ક્ષત્રિયાણીઓ દ્વારા તિલક અને પાઘડી પહેરાવીને તેમનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત, અતુલ રાજાણી, વશરામ સાગઠીયા, ગાયત્રીબા વાઘેલા સહિત કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ, મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો, મહિલાઓ અને લોકો ઊમટી પડ્યાં હતાં. તેમજ ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં બહેન નયનાબા જાડેજા પણ હાજર રહ્યાં હતાં.

રાજકોટ બેઠકથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશભાઈ ધાનાણી જાહેર સભાને સંબોધી રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગૂલ થઈ હતી. ચાલુ સભામાં વીજળી ગૂલ થતાં પરેશભાઈ ધાનાણીએ સરકાર પર આંકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, 'સૌરાષ્ટ્રના પાટનગરમાં ધોળા દિવસે વીજળી ગુલ થઈ, હવે આ વિકાસને આપણે સહુએ હરાવવાનો છે.'

ધાનાણીએ વધુમાં જણાવ્યુ હતું કે, લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા છે અને રાજકોટ રણ મેદાનમાં પડકારોને ઝીલવા માટે કોંગ્રેસ પક્ષ દ્વારા મારી પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ અહંકારી સરકાર સામે જન જન ના સ્વાભિમાનની લડાઈનો શંખનાદ આજે રાજકોટથી થવા જઈ રહ્યો છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં ભાજપે વર્ગવિગ્રહનુ કાવતરું ઘડ્યું છે. કોઈએ કહ્યું કે, દીકરીઓના દામનને દાગ લગાડી ભાજપે મહાભારત બનાવ્યું છે. એક અભિમન્યુ સાતમા કોઠે અટકી ગયો હતો. મેં તો દૂધ પીતા છોકરાને અમરેલી વિધાનસભાથી મોકલ્યો હતો. હવે રાજકોટ પણ મને આગળ મોકલશે. સ્વાભિમાન યુદ્ધનો આજે શંખનાદ કર્યો છે. હું આ આધુનિક અંગ્રેજોના ત્રાસથી રાષ્ટ્રને મુક્ત કરાવવા આવ્યો છુ, ખરા "રામ રાજ્ય" ની પુન:સ્થાપના કરવા આવ્યો છુ. સત્તાના અહંકાર સામે સામાન્ય માણસના સ્વાભિમાનની લડાઈ છે. ત્યારે રાજકોટનાં હૃદયને જીતવા આવ્યો છું.

સભામાં કોંગ્રેસના ક્ષત્રિય સમાજની બહેનોએ જવતલિયા ભાઈ પરેશભાઈ ધાનાણીને રાખડી બાંધી જીત માટેના આશીર્વાદ પાઠવ્યા હતા. તેમજ ધાનાણીના ઓવારણા પણ લીધા હતા. સભામાં ધાનાણીએ જણાવ્યું હતું કે, દીકરીઓની આંખમાં આંસુ જોયા છે, અહંકારી માછલીની આંખ વિંધવા આવ્યો છું, ગુજરાત ભાજપમાં દાવાનળ ચાલી રહ્યો છે. ત્યારે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિકાસની પરિભાષાને બદલવા આવ્યો છું. ભાજપે વર્ગવિગ્રહના બીજ રોપ્યાં છે. રાજકોટનાં લોકોને પ્રેમના તાંતણે બાંધવા આવ્યો છું. સંવિધાનની સુરક્ષા કાજે રાજકોટનાં પાદરે આવ્યો છું. દીકરીઓને લગાડેલા દાગને ભૂંસવા આવ્યો છું. ભાજપનો સૂર્ય સોળે કળાએ ખીલ્યો, છતાં અઢારેય વરણ તકલીફો ભોગવે છે. તમારા બાપ-દાદાએ ચૂકવેલું ઋણ ચૂકવવા આવ્યો છું. દીકરીઓની આંખમાં આંસુ જોયા. રાજકોટનો કોંગ્રેસનો પરિવાર આંગળી પકડી અહીં લઈ આવ્યો છે. અહંકારી માછલીની આંખ વિંધવા રાજકોટ આવ્યો છું. ડ્રગ્સનો દરવાજો બંધ કરવા આવ્યો છું. અંગ્રેજો સામેની પહેલી લડાઈનું નેતૃત્વ ગુજરાતે લીધું હતું. ગુજરાતને ફરી આઝાદી અપાવવા રાજકોટ આવ્યો છું. અધર્મીઓના વિનાશને નોતરવા આવ્યો છુ લોક મતના મુલ્યને બચાવવા આવ્યો છુ દિકરીઓના દામને દાગ ભુંસવા આવ્યો છુ સતાના અહંકારને ઓગાળવા આવ્યો છુ સરદારનો અસલી વારસો સાચવવા આવ્યો છુ.

પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જગતના કલ્યાણ માટે વિશ્વકર્મા દેવને જવાબદારી સોંપી છે. વિશ્વકર્મા દેવએ દરેક જીવોમાં વિવિધ કળાઓ ગૂંથી છે. હાલ પરસેવો પાડીને ખાનારા અનેક લોકોને મહેનત કરવી છે પણ તક મળતી નથી. અથાક મહેનત કરવા છતાં બે ટાઈમ જમવા મળતું નથી. ત્યારે વિશ્વકર્મા દેવનાં ચરણોમાં આજે પ્રાર્થના કરી છે કે, હે પ્રભુ રાજકોટ અને ગુજરાત સહિત દેશનો પ્રત્યેક વ્યક્તિ કે જેને પરસેવો પાડી મહેનત કરવી છે તેના ઘરે બે ટાઈમ સ્વાભિમાનનો રોટલો તેનાં બાળકોને મળે તેવી વ્યવસ્થા ઊભી કરવા વિનંતી કરી છે. હરેશભાઈ સિસારાની યાદીમાં જણાવાયું છે.                                                                                                                                                                                                                                                                                                                                                      

(9:54 pm IST)