Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

મોરબી જિલ્લામાં ત્રણ પશુના મોત : ૩૦ વિજ પોલ પડી ગયા : દિવાલ તૂટી : હોર્ડીંગ્સ - વૃક્ષો ધરાશાયી

મોરબી તા. ૧૯ : મોરબી જીલ્લામાં રવિવારે રાત્રીથી વરસાદ વરસવાનું શરુ થયું હતું વાવાઝોડાની અસરને પગલે મોરબી જીલ્લામાં સોમવારે પણ સાંજ સુધી વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

રવિવારે રાત્રીના ૮ વાગ્યાથી સોમવારે સાંજ સુધીના વરસાદના આંકડા જોઈએ તો મોરબી તાલુકામાં ૨૯ મીમી, વાંકાનેર તાલુકામાં ૩૪ મીમી, હળવદ તાલુકામાં ૫૮ મીમી, ટંકારામાં ૩૧ મીમી અને માળિયા તાલુકામાં ૦૮ મીમી વરસાદ વરસ્યો હતો.

૨૩૦ ગામોમાં વીજળી ગુલ

મોરબી જીલ્લામાં ભારે પવન અને વરસાદને પગલે ૩૦ વીજપોલ ધરાશાયી થયા હતા જીલ્લામાં ૨૩૦ ગામોમાં વીજળી ગુલ થઇ હતી અને સોમવારે બપોર સુધીમાં ૧૩૧ ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરાયો હતો જયારે બાકીના ૯૯ ગામોમાં વીજ પુરવઠો ફરી શરુ કરવા તંત્રએ મથામણ કરી હતી તે ઉપરાંત મોરબી જીલ્લામાં ૫ સ્થળે વૃક્ષ ધરાશાયી થયા હોવાની માહિતી મળી છે.

મોરબી અને હળવદમાં બે ગાય એક વાછરડાનું મોત

વરસાદ અને પવન વચ્ચે વીજ કરંટથી મોરબી અને હળવદમાં ત્રણ અબોલ જીવ મૃત્યુ પામ્યા હતા જેમાં મોરબીના દરબારગઢ પાસે વીજશોકથી ગાયનું મોત થયું હતું તો હળવદના સુંદરગઢ ગામે વીજશોકથી ગાય અને વાછરડાના મોત થયા છે

ખરેડા ગામમાં દીવાલ પડી

ખરેડા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હોય જેથી મધરાત્રીએ દીવાલ પડી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થવા પામી નથી.

નવા બસ સ્ટેન્ડ પાસે હોડીંગ્સ ધડામ

મોરબીમાં વાવાઝોડાની અસરને પગલે રાત્રીના નવા બસ સ્ટેન્ડ પાસે લગાવેલ મસમોટા હોડીંગ્સ ધડામ થયા હતા અનેક મોટા હોડીંગ્સ પડી ગયા હતા જે સવારથી હટાવવાની કામગીરી પાલિકા તંત્રએ શરુ કરી હતી જોકે સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલો મળ્યા નથી

ભલગામ નજીક વૃક્ષ પડતા પોલીસે રસ્તો ખુલ્લો કરાવ્યો

વાંકાનેર તાલુકાના સતાપર, મેસરિયા,તરકિયા, ગારીડા, રંગપર, અદેપર, ઠીકરિયાળી, ભલગામ સહિતના ગ્રામ્ય વિસ્તારો પ્રભાવિત થયા છે પવનના પગલે વાંકાનેર બાઉન્ડ્રી નજીક આવેલ ભલગામ પાસે વૃક્ષ ધરાશાયી થયું હોય જેથી રસ્તો બંધ થયો હતો જેની જાણ થતા તુરંત પોલીસ ટીમ દોડી ગઈ હતી અને પોલીસે વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરાવ્યો હતો

સંસ્થાઓએ માનવતા મહેકાવી

મોરબીમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સ્થિતિમાં જરૂરિયાતમંદો ભૂખ્યા ના રહી જાય તે માટે મોરબીમાં એકટીવ સેવા ગ્રુપ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરી માનવતા મહેકાવી હતી.

(1:07 pm IST)