Gujarati News

Gujarati News

News of Wednesday, 19th August 2020

સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ વચ્ચે શાકબકાલાના વેપારી સડેલા શાક-ફુટ રસ્તા પર ફેંકી ગંદકી ફેલાવે છે

શાક માર્કેટ પાસે ઢોરને અડીગો અવાર નવાર અકસ્માત સર્જે છે : પાલીકાતંત્ર નિષ્કીય

વઢવાણઃ સુરેન્દ્રનગર શહેરમાં એક બાજુ ભયંકર રોગચાળો પ્રસરી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના શાક બકાલા વાળા અને ફ્રુટવાળા પોતાને વ્યાપાર ન થવાના કારણે અથવા તો ફ્રુટ કે શાક બકાલુ સડી જવાના કારણે માર્કેટના સામેના ભાગમાં ઢગલા કરી અને જાહેર માર્ગ બંધ કરી દેવામાં આવતા આ વિસ્તારમાંથી પસાર થતા લોકોમાં ભારે રોષની લાગણી છવાઈ જવા પામી છે.

શહેરમાં સાફ-સફાઈના બદલે ગંદકી ફેલાવતા શાક બકાલા વાળા તેમજ ફ્રુટવાળા ઉપર કાયદાકીય રીતે પગલાં ભરી અને જાહેર માર્ગ ઉપર આવા સડેલા શાકભાજી કે ફ્રુટ ના નાખવા માટેની સુચના આપવા માટેની માંગ ઉઠવા પામેલ છે.

સુરેન્દ્રનગર શહેરમાં રખડતા ઢોરની ભારે સમસ્યા આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તંત્ર સદંતર નિષ્ફળ ગયું છે.

શહેરમાં માથાના દુખાવા સ્વરૂપ ટ્રાફિક સમસ્યા તેમજ રોડ રસ્તા ઉપર લારીની ભારે સમસ્યા સર્જાઇ છે. શહેરમાં તેમજ જોરવરનગર રતનપર શહેરી વિસ્તારમાં રસ્તે રઝળતા ઢોરોની પણ ભારે સમસ્યા સર્જાય છે. જાહેર માર્ગો પર અસંખ્ય ઢોરનો ત્રાસ હોવાના કારણે અનેકવાર અનેક લોકો ભોગ બન્યા છે આમ છતાં પણ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અનેકવાર આ સમસ્યાની રજૂઆત પણ કરવામાં આવી છે. છતાં પણ તંત્ર દ્વારા લાપરવાહી રાખવામાં આવી રહી છે .

મોટી શાકમાર્કેટ પાસે અસંખ્ય પશુઓ સવારથી રાત્રી આખો દિવસ આ રોડ રસ્તા ઉપર રઝળપાટ કરી રહ્યા છે. શહેરમાં મોટી શાકમાર્કેટ ખાતે શાક બકાલા ની ખરીદી કરવા માટે આવતા લોકો તેમજ મહિલાઓ ભારે ત્રાહિમામ પોકારી ઉઠી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં દરરોજના ચારથી પાંચ વ્યકિતઓને આ પશુઓ પોતાની અડફેટે લઇ અને પાડી દેતા હોવાના પણ અનેક બનાવો બન્યા છે.

મોટી શાકમાર્કેટ પાસે આ પશુઓના કારણે અનેક વાર બાઈક તેમજ કારને પણ મોટું નુકસાન પહોંચાડતા હોય છે. આ શહેરમાં માથાના દુખાવા સ્વરૂપ સાબિત થઇ રહી છે. ત્યારે આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ઘ કરવામાં આવતું નથી કે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં તંત્ર સાવ નિષ્ક્રિય રહેવાની લોકોની ફરિયાદો ઉઠવા પામી છે.

(11:56 am IST)