Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

વિસાવદરના સેવાભાવી રઘુવંશી પરિવારની ગુજરાતની સરહદની પેલેપાર દાદરા નગર હવેલીમાં અવિરત સેવાઃ સંતાનો પણ માતા-પિતાના પગલે સેવામાં ઓતપ્રોત

મુળ વિસાવદરના નાની મોણપરીના વતની ‘સાદરાણી પરિવાર' પહેલેથી જ રકતદાન-અન્નદાન-વષાદાન-જરૂરિયાતમંદોની સેવામાં હંમેશા અગ્રેસર રહ્યા છેઃ કોરોનાકાળમા પણ પ્રસંસનિય સેવા : જાહેર જીવનમા પણ સંઘપ્રદેશમાં ઉજળુ નામ : સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ-ગુજરાતના લોકોને સંપૂર્ણ આતિથ્‍ય સત્‍કાર સાથેની મહેમાનગતી બાદ જ દાદરાનગર હવેલીથી વિદાયમાન આપે છે..!!

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર, તા.૧૯: મુળ સૌરાષ્ટ્ર વિસાવદરના નાની મોણપરીના વતની મનોજકુમાર ચિમનલાલ સાદરાણી પરિવાર દાયકાથી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ‘સેલવાસ' ખાતે સ્‍થાયી થયેલ છે અને સેલવાસ ખાતે જ ‘લાલ રઘુવંશી રેસ્‍ટોરન્‍ટ' નામક વ્‍યવસાય એકમ ચલાવે છે...પરંતુ નોંધનીય બાબત એ છે કે,મનોજભાઈᅠ તથા તેમના ધર્મપત્‍નિ-રેખાબેન અહીં પહેલેથી જે રક્‍તદાન-અન્નદાન-વસ્ત્રદાન-જરૂરિયાતમંદોની સેવામાં ઓતપ્રોત રહેતા એ જ પ્રમાણે ગુજરાતની સરહદની પેલેપાર સંઘ પ્રદેશ-દાદરાનગર હવેલીમાં પણ સેવાની જયોત અવિરત ચાલુ જ રાખી છે...

સૌથી નોંધપાત્ર બાબત એ છે કે,તેમના યુવાનવયના બે સંતાનો જેમા પુત્ર- ઉત્તમ તથા પુત્રી-ઉમાક્ષી પણ માતા-પિતાના પગલે ચાલી રહ્યા છે અને તેઓ પણ ‘સેવા હી પરમોધર્મ'ને અનુસરી રહ્યા છે...આ બન્ને ભાઇ-બહેન કોરોનોકાળ દરમિયાન લોકડાઉનના કઠીન સમયે સેલવાસમા પોલીસ-સુરક્ષા જવાનો માટે ચા-નાસ્‍તો-જમવાનુ પહોંચાડતા જેની સૌએ નોંધ લઇ શાબાશી આપી હતી.

‘સાદરાણી પરિવાર' સેવાભાવી ઉપરાંત ધાર્મિક-આધ્‍યાત્‍મિક અને જાહેર જીવન સાથે પણ સંકળાયેલ ખરૂ...સૌરાષ્ટ્રમાં દ્વારકા ખાતે ધ્‍વજાજી તથા વેરાવળ સોમનાથ મંદિર ખાતે ધ્‍વજા ચડાવવા સહિતના કાર્યક્રમ રંગચંગે ઉત્‍સાહભેર આયોજન કરે અને આ સુખ-આનંદની પળોમાં સગા-સબંધી-મિત્રો-સ્‍નેહીઓને સામેલ કરી અલૌકિક આનંદ હાંસલ કરે..વર્ષ દરમિયાન જયારે પણ તહેવારોની રજા હોય ત્‍યારે વતન સૌરાષ્ટ્ર-કાઠિયાવાડ પધારે અને સબંધકર્તા સૌની આત્‍મિયતાપૂર્વક મુલાકાત લ્‍યે અને સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી-સેલવાસ પધારવાનુ આમંત્રણ પણ આપે...અને હા,કોઇપણ સેલવાસ જાય તો મીઠો આવકારો-સંપૂર્ણ આતિથ્‍ય સત્‍કાર-જમાડીને જ વિદાય આપે...મનોજભાઈની સુપુત્રી કુ.ઉમાક્ષી સાદરાણી સેલવાસ શહેર જિલ્લા ભાજપના ઉપ પ્રમુખપદે અને સુપુત્ર ચિ.ઉત્તમ સાદરાણી યુવા પાંખમાં સેવા આપી રહ્યા છે.પિતા-ચિમનભાઇ સાદરાણી તથા સ્‍વર્ગસ્‍થ માતા- પુષ્‍પાબેનના અનરાધાર આશીર્વાદના પરિણામે વર્તમાન સ્‍વાર્થી યુગમા મનોજભાઇ સાદરાણી તેમના ધર્મપત્‍નિ-રેખાબેન, પુત્ર-ઉત્તમ, પુત્રી-ઉમાક્ષી વતનથી દૂર દૂર છેક દાદરાનગર હવેલી સંઘ પ્રદેશમા પણ અવિરત સેવાનો યજ્ઞ ચલાવી રહ્યા છે જેનુ સબંધકર્તા સૌ ગૌરવ અનુભવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે,સૌરાષ્ટ્ર-ગુજરાતના વિવિધ ક્ષેત્રના નામાંકિત અગ્રેસરો સેલવાસ જાય તો ‘સાદરાણી પરિવાર' અચૂક મુલાકાત લ્‍યે..સ્‍વાગત કરે..આતિથ્‍ય સત્‍કારથી નવાજે..સમયની અનુકુળતા પ્રમાણે ઘણા જ સેલિબ્રિટીઓ મનોજભાઇના નિવાસસ્‍થાને અથવા વ્‍યવસાયિક એકમ લાલા રઘુવંશી રેસ્‍ટોરન્‍ટની પણ મુલાકાત લઈ ધન્‍યતા અનુભવી છે..આમ વર્તમાન સમયમા માણસથી બિલકુલ માણસ દૂર જઈ રહ્યો છે ત્‍યારે આ પરિવારે ‘આપણા મલકમાં માયાળુ માનવી'ની પંક્‍તિને વાસ્‍તવમા ચરિતાર્થ કરી છે.

(10:47 am IST)