Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

હળવદના મેરૂપર ગામની બાલિકા વિદ્યાલયમાં દીકરીઓ ઉપર સિતમ, ૧૭ની તબિયત બગડી

કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં મેરૂપરની ઘટનામાં શિક્ષિકાઓના ત્રાસથી હોસ્‍ટેલ છોડી ગયેલ વિદ્યાર્થીનીઓને ધમકાવાતા તબિયત બગડી હોવાનું જણાવતી વિદ્યાર્થીનીઓ

 (દીપક જાની દ્વારા) હળવદ, તા. ૧૯: તાલુકાના મેરૂપર ગામે આવેલ કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં શિક્ષિકાઓ દ્વારા અહીં હોસ્‍ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ પાસે ઘરકામ કરાવવાની સાથે પોતાના બાળકો સાચવવાની વેઠ કરાવવામાં આવતી હોવા ના આક્ષેપ સાથે ગઈકાલે ૧૭ બાળકીઓ હોસ્‍ટેલ છોડી ચાલી નિકલ્‍યા બાદ ઇન્‍ચાર્જ અધિકારી અને બે શિક્ષિકાઓએ વિદ્યાર્થીનીઓને દમદાટી મારી ત્રાસ ગુજારતા હોસ્‍ટેલ છોડી ગયેલ ૧૭ વિદ્યાર્થીનીઓની તબિયત બગડતા હળવદ સારવારમાં ખસેડવામાં આવી છે અને મામલો ગરમાયો છે.

અત્‍યંત ગંભીર કહી શકાય તેવી આ બાબત અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે કેન્‍દ્ર સરકારની યોજના અન્‍વયે કસ્‍તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય અને હોસ્‍ટેલ કાર્યરત છે જેમાં આજુબાજુના ગામની ૫૦ જેટલી વિદ્યાર્થીનીઓ હોસ્‍ટેલમાં રહી ભણે છે.

જો કે, છેલ્લા કેટલાક સમયથી અહી મોટા ધોરણમાં ભણતી બાળકીઓને વિદ્યાલયની કેટલીક શિક્ષિકાઓ દ્વારા પોતાના બાળકો સાચવવા અને ઘરના કામ કરવાની વેઠ આ વિદ્યાર્થીનીઓ પાસે કરાવવાની સાથે ફૂટપટ્ટીથી મારઝૂડ કરવામાં આવતી હોય હોસ્‍ટેલની ધોરણ ૮માં ભણતી ૧૭ જેટલી વિદ્યાર્થીનીઓ ગઈકાલે હોસ્‍ટેલ છોડીને નીકળી જતા ત્રાસ ગુજારનાર શિક્ષિકાઓના પગતળે રેલો આવ્‍યો હતો. અને સમગ્ર બનાવ અંગેની જાણ ઉપર ઇન્‍ચાર્જ અધિકારીને કરાતા તેઓ દોડી આવ્‍યા હતા. જો કે આ અધિકારીએ પણ ત્રાસ ગુજારનાર શિક્ષિકાઓનો પક્ષ લઈ હોસ્‍ટેલ છોડી જનાર દીકરીઓને દમદાટી મારતા આ દીકરીઓની તબિયત લથળી હતી અને હાલ આ તમામ દીકરીઓ ડિપ્રેશનમાં આવી જતા સારવાર માટે હળવદ હોસ્‍પિટલમાં ખસેડાઇ છે.  સમગ્ર બનાવ મામલે કસ્‍તુરબા ગાંધી વિદ્યાલય મેરૂપરના વોર્ડન અને હેડ ટીચર અમળતાબેન સોલંકીએ જણાવ્‍યું હતું કે, હોસ્‍ટેલમાં દીકરીઓને ખૂબ સારી રીતે રાખવામાં આવે છે પરંતુ બે ટીચરો આ દીકરીઓને ત્રાસ આપતા હોય આ ઘટના બની છે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હોસ્‍ટેલ છોડવા મામલે ઉપરી અધિકારીએ દીકરીઓને ટોર્ચર કર્યા હોવાથી આ ૧૭ દીકરીઓની તબિયત લથડતા તેમને હોસ્‍પિટલમાં ખસેડવામાં આવી છે. ઉપરાંત તેઓએ ઉમેર્યું હતું કે વોર્ડન તરીકે તેઓ કરાર આધારિત નોકરી કરતા હોય તેમને પણ પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેવો આક્ષેપ કર્યો હતો.

(1:47 pm IST)