Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વિંછીયા તાલુકા ભાજપ પ્રભારી ખોડાભાઈ ખસીયાના પરિવાર ઉપર ટોળાનો બેફામ હુમલો

અગાઉ એક યુવકને માર મારતા ગઢડા તાલુકાના લીંબાળી ગામના ૪૦ શખ્સો તૂટી પડયાઃ ૧૩ની ધરપકડઃ કુંવરજીભાઈ બાવળીયાએ હોસ્પિટલમાં ખબર-અંતર પૂછયા

જસદણ તાલુકાના આંબરડી જીવન શાળામાં હુમલો કરતા ભાજપ અગ્રણી તથા તેના પત્નિને સારવાર માટે જસદણની ખાનગી હોસ્પીટલ ખાતે ખસેડાયા છે જે તસ્વીરમાં નજરે પડે છે. અન્ય તસ્વીરમાં ટોળાએ હુમલો કર્યો તે નજરે પડે છે (તસ્વીરઃ વિજય વસાણી (આટકોટ), હુસામુદ્દીન કપાસી (જસદણ)(૨-૭)

(વિજય વસાણી દ્વારા) આટકોટઃ. જસદણ તાલુકાના આંબરડી ગામે આવેલ જીવન શાળાના આચાર્ય અને વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી ખોડાભાઈ ખસીયા, તેના પત્નિ લાભુબેન તથા પુત્ર કૃપાલ ઉપર ગઢડા તાલુકાના લીંબાળી ગામના ૪૦ જેટલા લોકોના ટોળાએ હુમલો કરતા દંપતિને જસદણની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જસદણના આંબરડી જીવન શાળાના મેનેજીંગ ટ્રસ્ટી તરીકે સેવા આપતા અને વિંછીયા તાલુકા ભાજપના પ્રભારી ખોડાભાઈ બચુભાઈ ખસીયા (કોળી) (ઉ.વ. ૬૨) જીવન શાળા ખાતે નવા વર્ષ નિમિતે સગાસંબંધીઓ સાથે બેઠા હતા ત્યારે કારમાં લીંબાળી ગામના જયંતીભાઈ પોપટભાઈ ઝાપડીયા, શૈલેષભાઈ, પાંચાભાઈ, પ્રવીણભાઈ બચુભાઈ, લાલાભાઈ ઝાપડીયા, બાબુભાઈ ઝાપડીયા, ભવાન ઝાપડીયા, વિજય ભવાનભાઈ ઝાપડીયા, મુકેશ વલ્લભભાઈ, અતુલ વલ્લભભાઈ સહિત ટોળા રૂપે આવ્યા હતા અને તમે તથા તમારા માણસોએ અમારા કુટુંબના છોકરાઓને કેમ મારકુટ કરેલ છે ? તેમ પૂછતા આ બાબતે સમાધાન થયુ હોવાનુ ખોડાભાઈએ જણાવ્યુ હતુ પરંતુ ટોળારૂપે આવેલ લોકોએ જણાવ્યુ હતુ કે આ સમાધાન અમને મંજુર નથી અને તેમ કહીને અપશબ્દોનો બેફામ મારો ચલાવી હથીયારો સાથે તૂટી પડયા હતા અને જીવન શાળાની ઓફિસ તથા રૂમોમાં ખુરશીઓમા અને પંખાઓમા તોડફોડ કરી હતી. કારના કાચ પણ ફોડી નાખ્યા હતા.

ટોળારૂપે આવેલ લોકોએ જણાવ્યુ હતુ કે તમો આ બાબતે પોલીસ ફરીયાદ કરશો તો જાનથી મારી નાખશું. તમારાથી અમારા દિકરાને કેમ મરાય ? હવે તમને આ ભારે પડશે તેમ કહીને ખોડાભાઈ ખસીયા તથા તેના પત્નિ લાભુબેન અને પુત્ર કૃપાલ અને વહુ હેતલબેન મધુભાઈ મકવાણાને પણ બેફામ માર માર્યો હતો. તમામને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાયા છે.

આ બનાવ અંગે જસદણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. આર.પી. કોડીયાતર અને ટીમે વધુ તપાસ હાથ ધરી છે. ફિલ્મી સ્ટાઈલથી કરેલા હુમલાના વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા છે.

આ પ્રકરણમાં પોલીસે ૧૩ શખ્સોની ધરપકડ કરી છે. જ્યારે અન્ય શખ્સોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

રાજ્યમંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જસદણની ખાનગી હોસ્પિટલે સારવારમાં રહેલા ખોડાભાઈ અને તેના પરિવારજનોના ખબર અંતર પૂછવા રૂબરૂ દોડી ગયા હતા.

હુમલાની આ ઘટનાથી કોળી સમાજમાં ભારે ચર્ચા જાગી છે.

(10:37 am IST)