Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દ્વારકાના તુલા મંદિરમાં ગેરરીતી અંગે અરજી કરતાં યુવાનને ધમકાવતાં ફીનાઇલ પીધું

ખંભાળીયા તા. ૧૯: દ્વારકાના હોમગાર્ડ ચોક ગોપાલ હોટેલની સામે વ્રજ એપાર્ટમેન્ટમાં ફલેટ નં. પ૦૭ માં રહેતાં અને યજમાનવૃતિ કરતાં હિમાન્સુ પુષ્કરભાઇ ઠાકર (ઉ.વ. ૪૧) નામના વિપ્ર યુવાને નોંધાવેલી ફરીયાદમાં શરદ વાયડા, બાબુલ વાયડા અને બ્રિજેશ ઠાકરના નામ આપતાં પોલીસે ત્રણેય સામે આઇપીસી પ૦૬(ર) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. ફરીયાદમાં જણાવ્યું છે કે, મેં ગુગળી જ્ઞાતિના પ્રમુખ વિરૂધ્ધમાં ગેરરીતી બાબતે અરજી કરી હતી જેનો જવાબ મને ન મળતાં ગત તા. ૧૩ ના રોજ સવારે ૧૦ વાગ્યે અમારી ગુગળી જ્ઞાતિની ઓફીસે ગયો હતો ત્યાં શરદ વાગડા, બાબુલ વાયડા, બ્રિજેશ વાયડા હાજર હતાં આથી મેં અરજીના જવાબ બાબતે પુછતાં મને જેમ તેમ બોલી હવે પછી અરજી કરીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી હતી આથી હું ત્યાંથી જતો રહ્યો અને પતંજલી સ્ટોર પાસેથી ફીનાઇલની બોટલ લઇ ફરી અમારી ગુગળી જ્ઞાતિની ઓફિસે ગયો હતો અને મને મારી નાખવાની ધમકી આપી હોવાથી કંટાળી જઇ ફીનાઇલ પી લેતાં ૧૦૮માં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ફરીયાદ પરથી ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરંભડાની પરિણીતાને ખંભાળિયા રહેતાં પતિનો ત્રાસ

મિઠાપુરના આરંભડામાં માવતરે રહેતી અને ખંભાળિયાના ધરારનગર આશાપુરા ચોકમાં સાસરીયું ધરાવતી જરીનાબેન અજીતભાઇ નાથાણી (ઉ.વ. ૩પ) ની પરિણીતાએ મહિલા પોલીસમાં પતિ અજીત આમદભાઇ નાથાણી વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે કે, તેમના લગ્ન થયા બાદ પતિ અવાર-નવાર દારૂ પી ને ઘરે આવ્યાં બાદ જેમ તેમ બોલી દરરોજ ઝગડા કરતો હોય અને શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપતાં પોલીસે પરિણીતાની ફરીયાદ પરથી પતિ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કલ્યાણપુરના લાંબામાં મહિલા સહિત ચાર જુગાર રમતાં ઝડપાયા

કલ્યાણપુર તાલુકાના લાંબા ગામે ડિલક્ષ પાન વાળી શેરી પાસે જાહેરમાં જુગાર રમી પૈસાની હારજીત કરતાં હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી જુગાર રમતાં દેવાત કારૂ ચેતરીયા, અજય સામત ચાનપા, દયાબેન ગોવિંદભાઇ ઢાંકેચા, નાથીબેન ઉર્ફે કારીબેન દેવાત ચેતરીયા તમામને રોકડ રૂ. ૩૬૮૦ ની મતા સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે.

(11:41 am IST)