Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કલ્યાણપુરના ચંદ્રાવાળામાં વાડી માલિક દંપતિ સહિતના ત્રાસથી ભાગીયાનો આપઘાત

સામતભાઇ મોઢવાડિયાએ ''મે મારૂ કામ કરી લીધુ છે મે ખોડિયાર મંદિરે ઝેરી ટીકડા ખાઇ લીધા'' તેમ પત્નિને ફોનમાં જણાવ્યું : યુ.કે.સ્થિત વાડી માલિક, તેના પત્નિ અને જુનાગઢના શખ્સ સાથે ગુન્હોઃ સ્યુસાઇડ નોટ કબ્જે

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧૯ : દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે ખેતી કામ કરતા એક ખેડૂતે વિદેશમાં રહેતા ખેડૂત, તેની પત્ની અને અન્ય એક શખ્સના ત્રાસથી આપઘાત કરી લીધાનો બનાવ સામે આવતા મેર પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. યુવાન પુત્રી અને નાના પુત્ર સહિત બે સંતાનોના પિતાના આપઘાત પાછળ યુકે રહેતા વાડીમાલીક અને તેની પત્ની સામે પોલીસે ભાગીયાને મરવા મજબૂર કર્યા હોવાની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા સામતભાઇ નાગાભાઇ મોઢવાડિયા (ઉ.વ.૩૯) નામના ખેત મજુરી કરતા મહેર યુવાને સીમ વિસ્તારમાં આવેલ ખોડીયાર માતાના મંદિરે દિવાળીના દિવસે જ બપોરે ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન પરિવારજનોએ સામતભાઇને પોરબંદર ખસેડી બચાવવાના પ્રયાસો કર્યા હતાં, પરંતુ ટુંકી સારવાર બાદ જ સામતભાઇનું મૃત્યુ નિપજયું હતું. ઘરના મોભીના મૃત્યુને પગલે પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

દિવાળીના દિવસે બપોરે એકાદ વાગ્યે સુમરીબેન વાડીએ ખડ વાઢતા હતા ત્યારે તેનો હિરેન ફોન લઇને આવ્યો અને પાપાનો પુત્ર ફોન છે એમ કહયું હતું. સુમરીબેને ફોન લેતા જ સામેથી તેના પતિનો અવાજ આવ્યો હતો. જેના અંતિમ શબ્દો હતા કે મેં મારૂ કામ કરી લીધું છે. મે ખોડીયાર મંદિરે ઝેરી ટીકડા ખાઇ લીધા છે.

પતિએ ફોન કરી જાણ કરતા જ પત્ની સુમરીબેન પુત્ર સાથે ખોડીયાર મંદિર પહોંચી હતી ત્યાર બાદ પોતાના જેઠની મદદથી તેણીએ તુરંત ગામમાંથી ખાનગી વાહન મંગાવી પતિને પોરબંદર સારવાર માટે ખસેડવામાં આગળ વધી હતી. રસ્તામાં સામતભાઇને ૧૦૮ માં તબદીલ કરવામાં આવ્યા ત્યાર બાદ તેઓને પોરબંદરની ભાવસિંહજી હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવાયા હતા. જયાં ટુંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજયું હતું.

મૃતક સામતભાઇ પોતે બે સંતાનો સહીતના પરીવારની ગુજરાન ચલાવવા ખેતી ભાગે રાખી મહેનત કરતા હતા. મૃતકને સંતાનમાં સૌથી મોટી ૧૮ વર્ષની ભુમી હાલ પોરબંદરમાં આર્ય કન્યા ગુરૂકુળમાં રહી ધોરણ ૧રમાં અભ્યાસ કરે છે. જયારે નાનો પુત્ર હિરેન ઉ.વ.૧૪ રાણાવાવ ખાતે ભાવના સ્કુલ ખાતે અભ્યાસ કરતો હોવાનું જાણવા મળ્યું છે. એકાએક પિતાના મૃત્યુથી બંને સંતાન અવાચક થઇ ગયો છે.

મૃતક સામતભાઇ ચંદ્રવાડા ગામે રહી અહીંના ખેડૂત ભીખુ રામદે મોઢવાડીયાની ખેતીની જમીનમોઢવાડીયાની ખેતીની જમીન ભાગેથી વાવે છે. ભીખુભાઈ હાલ યુકે રહે છે જયારે તેમના પત્ની અહીં રહે છે. ચાર માસથી સામતભાઈએ વાડી ભાગથી વાવવા રાખી છે. હાલ પાક તૈયાર થઇ ગયો ત્યાં યુકેથી ભીખુભાઈનો ત્રાસ ચાલુ થયો, વિદેશથી ખેત માલિક અને અહીથી તેની પત્નીનો ત્રાસ શરુ થતા સામતભાઈ સૂડી વચ્ચે સોપારી બની ગયા હતા. ભીખુભાઈની પત્ની અવારનવાર વાડીએ પહોચી સામતભાઈને ધમકાવી ચાલ્યા જવાનું કહેતી હતી. તો ભીખુભાઈ સમયાન્તરે ફોન દ્વારા ધમકીઓનો આપતો હતો.

મુળ ચંદ્રાવાડા ગામના અને હાલ બ્રિટનમાં રહેતા ભીખુભાઈ રામદેભાઈ મોઢવાડિયાએ મૃતક સામતભાઈને જમીન વાવવા આપ્યા બાદ પાક તૈયાર થઇ જતા ધમકીઓ આપવાની શરૂ કરી હતી. તા. ૩/૧૧, ૯/૧૧ અને ૧૧/૧૧/૨૦૨૦ના રોજ ફોન કરી ભીખુભાઈએ સામતભાઈને ધમકાવ્યા હતા. આરોપીએ +૪૪૭૪૦૫૭૩૧૭૪૬ નંબર પરથી યુકેથી ફોન કરી સામતભાઈને ધાક ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. અવાર નવાર  માનસીક ત્રાસ આપતા તેમજ તેમની પત્નીએ અવાર-નવાર વાડીએ આવી ગાળો આપી, ધમકીઓ આપી માનસીક ત્રાસ આપ્યો હતો

છેલ્લા એક પખવાડીયામાં અનેક વખત ફોન કરીને આરોપી વાડીમાલિકે સામતભાઈને ધમકીઓ આપી હતી. પોતાની વાડી ખાલી કરી નાખવા તેમજ વાવેતર ન કરવા તથા મગફળી ઉપાડવા ગયો તો તને જાનથી મારી નાખીશ તેમ ફોન ઉપર સતત ધમકીઓ આપી આરોપીએ માનસીક ત્રાસ આપી બીભત્સ વાણીવિલાસ આચર્યો હતો. જો વાડી ખાલી થઇ જશે તો પરિવારનું ગુજરાન કઈ રીતે થશે ? કદાચ આવા ખયાલથી ખેડૂતે આપદ્યાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આપઘાતનો પ્રયાસ કરતા પૂર્વે સામતભાઈએ સુસાઈડ નોટ પણ લખી હોવાનું જાણવા મળ્યું છે. આ મરણનોંધ પત્ની સુમરીબેને પોલીસને આપી હોવાનું જાણવા મળ્યું છે. જેમાં ખેતી માલિક ભીખુ રામદે મોધાવાડીયા, તેની પત્ની ગીતાબેન અને જુનાગઢના ભરત કડછાના નામનો ઉલ્લેખ કરાયો હોવાનું અને આ ત્રણેયના ત્રાસથી આપઘાત કર્યો હોવાનું લખ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવ અંગે મૃતક સામતભાઈની પત્નીએ દંપતી અને જુનાગઢના સબ્સ સામે મૃતકને ત્રાસ આપી મરવા મજબુર કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓ સામે ૩૦૬,૫૦૪,૫૦૩ (૨),૫૦૭,૧૧૪ મુજબ ફરિયાદ નોંધી છે જેમાં ત્રણેય આરોપીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે હાલ આરોપી મહિલા અને જુનાગઢના શખ્સ સુધી પહોચવા ચક્રોગતિમાન કર્યા છે. આ બનાવ મેર સમાજ અને દ્વારકા તેમજ પોરબંદર જીલ્લામાં ભારે ચકચાર જગાવી છે.

(11:47 am IST)