Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોનામાં સાવચેતી જરૂરીઃ હસવામાં ભલે કોઇ જોડાય-આંસુ તો તમારા હાથે જ તમારે લૂછવાના

જુનાગઢ તા. ૧૯: મહામારીનું રૂપ જોતાં હવે નાગરિકો જાતે આગળ આવે તેવો તબીબો જે આગ્રહ કરે છે એનો પોતાના હિતમાં અમલ કરે ને કરાવે. તે જરૂરી છે. સામસામા છેડાની માંગણીઓ વચ્ચે કોઇપણ વહીવટી તંત્ર મુંઝાય જ. એટલે હવે આપણે જ નકકી કરીએ કે આપણા ને આપણા પ્રિયજનોના રક્ષણ માટે આપણે શું કરવું હિતાવહ છે.

(૧) વડિલોને બાળકો, ઘરની બહાર ન નીકળો. (ર) માત્ર અનિવાર્ય હોય તો જ નીકળો. (૩) કેવળ રખડપટ્ટી માટે બહાર ન નીકળો. (૪) આવા રખડુઓ સાથે પરિવારજનોને પાડોશીઓ જ કડક થાય, નહીં તો આવા ભટકેલના ચેપના ભોગ એમણે જ બનવું પડશે. (પ) કોઇનાય ધંધા રોજગાર, નિયમનો ભંગ કરીને ન જ ચાલે. (૬) લગ્ન સમારંભો, પ્રવાસ પર્યટનો, મનોરંજનના તમામ વિકલ્પોથી હાલ અળગા જ રહો. (૭) આમંત્રણ આપીને શરમાવો નહીં. આમંત્રણ મળે તો હરખાવ નહીં. ભીડમાં નહીં જવાનું એટલે નહીં જ જવાનું. (૮) બેદરકારોની દેખાદેખી કે બેપરવા સાથે સરખામણીનું પરિણામ ખતરનાક આવે તેમ છે એ ન ભુલશો. (૯) આવા લોકોથી દૂર જ રહો ને એમને દૂર જ રાખો. ખરાબ લાગે તોય ભલે. સંબંધ સાચવવા હશે તો શ્વાસ પણ સાચવવા પડશે. (૧૦) કાયર કહેવાવ તો ભલે. બીકણ કહેવાવ તો ભલે. પણ ડોકટર કહે છે તેનો કડક અમલ કરો. સંપર્ક ટાળો, માસ્ક પહેરો, સેનેટાઇઝરનો ઉપયોગ કરો જ.

તહેવાર હોય, વહેવાર હોય કે આસ્થા હોય, યાદ રાખો કે ઇશ્વરને ખોટું નહીં લાગે ને સંબંધીને લાગે તો એમનાં વાંધા એમને ઘેર. હસવામાં ભલે કોઇ જોડાય, આંસુ તો તમારા હાથે જ તમારે લૂછવાના છે.

''જાન હૈ તો જહાન હૈ'' એ અનુભવસિધ્ધ ઉકિત છે ને એનો કોઇ જ વિકલ્પ નથી.

સંકલનઃ પ્રદિપભાઇ ખીમાણી

જુનાગઢ-ભાજપ અગ્રણી

(11:48 am IST)