Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોરોના મહામારીમા ચોટીલામાં ૫ લાખથી વધુ પ્રવાસીઓ ઉમટયા

ફરજીયાત માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સનો નિયમ માત્ર કાગળ ઉપર જ રહ્યો

(હેમલ શાહ દ્વારા) ચોટીલા તા.૧૯ : ઘણા સમય કોરોના કહરને કારણે ઘરમાં રહેલ લોકો દિવાળીની રજાઓમાં બિન્દાસ અને બેખોફ બની યાત્રા પ્રવાસના સ્થળો ઉપર મોટી સંખ્યામા ઉમટી પડેલ હતા.

સુરેન્દ્રનગર જીલ્લાનાં યાત્રાધામ ચામુંડા માતાજી ચોટીલા ડુંગર ખાતે પણ લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યુ હતું ભીડ ને જોતા તંત્રમાં પણ સંક્રામણ વધવાની દહેશત જોવા મળેલ હતી.

એક અંદાજ મુજબ દિવાળીના દિવસથી યાત્રાધામ ચોટીલામાં લોકોનો ઘસારો જોવા મળેલ હતો જે બેસતાં વર્ષ અને ભાઈબીજના દિવસે લાખો લોકો ચામુંડાધામ ખાતે આવેલ હતા ચાર દિવસ દરમિયાન ચોટીલામાં પાચ લાખ થી વધુ પ્રવાસીઓ આવેલ હોવાનો અંદાજ છે. હાઇવે ઉપર ટ્રાફિકને પણ અસર પહોચેલ હતી જયારે ઘણા સમય થી મંદીનો માર સહન કરતી તળેટી બજારમાં નાના મોટા ધંધાર્થીઓનાં ચહેરા ઉપર હાશકારો હતો તો એક સાથે લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓમાં માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સ સહિતની બેદરકારી જોવા મળતા તંત્રને પણ કોરોના સંક્રામણનો ડર જોવા મળતો હતો.

જેના પગલે ચોટીલા પ્રાત અધિકારી આર બી અંગારી, મામલતદાર પી એલ. ગોઠી એ તા. ૧૭/૧૧નાં તત્કાલીન ચામુંડા ડુંગર ટ્રસ્ટ, જલારામ મંદિર ચોટીલાનાં સંચાલક તેમજ પોલીસ તંત્ર સાથે બેઠક યોજી કેન્દ્ર ની ગાઇડલાઇન નો અમલ થાવ તેવી સુચના આપેલ હતી પરંતુ જે રીતે લોકોનો ઘસારો છે તે જોતા ગાઇડ લાઇન મુજબ માળખું ચલાવવું અશકય જેવી સ્થિતિ નિર્માણ પામેલ છે.

લોકોનાં ઘસારાને કારણે ગેસ્ટહાઉસ, હાઇવે ની હોટલો હાઉસ ફૂલ જોવા મળતી કોરોનાનાં કપરા સમય બાદ પ્રથમ વખત ચામુંડાધામ હાઇવે અને તળેટી વિસ્તાર ધમધમતો બનેલ હતો.

જયારે લોકો જે રીતે દિવાળીની રજાઓ માણવા બહાર નિકળી પડ્યા છે તે જોતા આવનાર દિવસોમાં કોણ હારશે? કોણ જીતશે? તે જોવાનું રહે છે.

દિવાળી થી પૂનમ સુધી ચામુંડા ધામમાં વર્ષો થી યાત્રિકોનો મોટો પ્રવાહ કાયમ માટે ઉમટતો હોય છે ત્યારે કોવીડ ૧૯ નાં કપરા સમયમાં પણ લોકો બિન્દાસ બની નિકળતા કાયદો વ્યવસ્થા અને ટ્રાફિક નિયમન માટે એક પીઆઇ, બે પીએસઆઇ, પોલીસ જવાનો, જીઆરડી, હોમગાર્ડ તેમજ મહિલા પોલીસની અલગ ટીમ સાથે ૧૫૦ જેટલા પોલીસ કર્મચારીઓ તહેનાત રહેલ છે.

(11:51 am IST)