Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

લીંબડીના ખાંંડયા ગામે પતિ માવો ખાવા ગયોને લોકો પત્નિ ઉપર તૂટી પડયા

વઢવાણ, તા.૧૯: સુરેન્દ્રનગર જિલ્લામાં લુખ્ખાતત્વોને પોલીસની જરા પર બીક ન હોય તેમ રોજે-રોજ કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાડતી ઘટનાઓ સામે આવી રહી છે. જિલ્લામાં મારામારીની ઘટનાઓએ તો માજા મુકી છે. તેને પગલે  કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. ત્યારે ધોળે દિવસે એક દંપતિ પર જીવલેણ હુમલોની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવા વર્ષે સુરેન્દ્રનગર જિલ્લાના લિંબડીના ખાંડ્યા ગામે એક દંપતિ પર ચાર જેટલા અસામાજિકતત્વો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ધોળે દિવસે લુખ્ખાતત્વોએ છેડતી કરી દેતા પતિ બચાવવા ગયો તો તેના પર આ લોકો તૂટી પડ્યા અને ગડદા પાટુના માર સહિત હથિયારથી હુમલો કરી દીધો. આ દ્યટનામાં પતિને વધારે ઈજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.આ મામલે ઈજાગ્રસ્ત દંપતિએ જણાવ્યું હતું કે, નવું વર્ષ હોવાથી મારા મમ્મીને પગે લાગવા માટે લીંબડી જવા માટે બસ સ્ટેશને સાધનની રાહ જોઈ ઉભા હતા, ત્યારે મારા પતિ માવો ખાવા ગયા ત્યારે ચાર લોકો આવ્યા અને તેમણે છેડતી શરૂ કરી દીધી. મે બૂમ પાડતા મારા પતિ આવ્યા મને છોડાવવાની કોશિશ કરી તો, આ લોકો તેમના પર તૂટી પડ્યા અને પગે ખુબ મારમાર્યો તથા માથુ ફોડી નાખ્યું.

આ ઘટનામાં પતિ લોહી લુહાણ થઈ જતા, લોકોના ટોળા ભેગા થઈ ગયા અને લુખ્ખાતત્વો ભાગી ગયા હતા. ત્યારબાદ સારવાર માટે તત્કાલિક લિંબડીની સરકારી હોસ્પિટલમાં તેમને ખસેડવામાં અવ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ નિવેદન લેવા માટે હોસ્પિટલ પહોંચી હતી અને હુમલો કરનાર અજાણ્યા ચાર લોકો વિરુદ્ઘ ફરિયાદ નોંધી તેમને શોધી કાઢવા ચક્રોગતિમાન કરી દીધા છે.

(11:52 am IST)