Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કોડીનારના કોબરા કમાન્ડો અજીતસિંહ પરમારનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીન

કોડીનાર ગામ સ્વયંભૂ બંધ : પરિવારની જાણ બહાર મધ્યપ્રદેશ પોલીસે અંતિમવિધિ કરાયોનો પરિવારજનો - રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આક્ષેપઃ મોતના કારણ અંગે તપાસ કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના સમક્ષ માંગણી : મોતના કારણનું રહસ્ય

(અશોક પાઠક દ્વારા)કોડીનાર,તા. ૧૯: કોડીનારના સીઆરપીએફના કોબરા કમાન્ડો જવાનનો પાર્થિવદેહને કાલે વતનમાં લાવવામાં આવ્યો હતો અને આર્મીના જવાનો એ ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું અંતિમવિધિમાં કોડીનાર શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ભારત માતાકી જય વંદે માતરમ ના નારા ગુંજયા હતા. કોડીનારના સ્મશાન ગૃહ ખાતે પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો હતો. કોડીનાર કાલે સ્વયંભૂ બંધ રહ્યું હતું.

 શહીદ જવાના મૃતદેહને પરિવારની જાણ બહાર દફનાવી દેવામાં આવ્યો હોવાનો પરિવારજનો- રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

મૂળ કોડીનાર ના વતની અને બિહારમાં સીઆરપીએફ કોબરા કમાન્ડો તરીકે ફરજ બજાવી રહેલા અજીતસિંહ જગુભાઈ પરમાર પોતાના વતન આવી રહ્યા હતા ત્યારે રેલવેના ટ્રેક ઉપરથી તેમનો મૃતદેહ મળ્યો હતો જયારે તેમનો સામાન મુંબઈ રેલવે સ્ટેશનો પરથી મળ્યો હતો.

ત્યાર બાદ મૃતદેહને મધ્યપ્રદેશ પોલીસે દફનાવી દીધો હતો જેના કારણે રાજયમાં કરણી સેના અને રાજપૂત સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરીને શા માટે પરિવારની જાણ બહાર આવું કરવામાં આવ્યું ? તેમ કહીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અને પરિવારને ન્યાય આપવા માંગણી થઈ રહી છે.

અજીતસિંહ પરમાર ના મૃતદેહને બહાર કાઢી ને તેમના વતનમાં સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.

અજીતસિંહ પરમારના મૃત્યુના કારણો અંગે પોલીસે તપાસ હાથ ધરી છે જોકે તેમના મોતનુ કારણ હજુ અકબંધ છે. જેથી જવાન અજીતસિંહ પરમારના પરિવારજન કે.બી. બારડે આ પ્રકરણમાં પરિવાર ને ન્યાય આપવા માંગણી કરી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વીર જવાનનુ આવી રીતે મોત થાય તે શંકાસ્પદ છે મધ્યપ્રદેશ પોલીસની સંડોવણી શંકાના દાયરામાં છે જેથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી , મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્ર અને રાજયના ગૃહમંત્રી સહિતના આ મુદ્દે તપાસ હાથ ધરે અને અમોને ન્યાય અપાવે તેવી માગણી કરી છે.

(11:56 am IST)