Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

વંથલીનાં લુશાળા ખાતે ધનવંતરી રથમાં કોરોના ટેસ્ટની ૯૦ કીટની ચોરી

રથ રેઢો મુકીને જતા સરકારી દવા પણ ચોરાઇ ગઇ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: વંથલીનાં લુશાળા ખાતે તંત્રની બેદરકારી સામે આવી છે. ધનવંતરી રથમાંથી દિન દહાડે કોરોના ટેસ્ટની ૯૦ કીટની અને સરકારી દવા ચોરાઇ જતાં હલ-ચલ સાથે સનસનાટી મચી ગઇ હતી.

હાલ દેશ-દુનિયામાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં સંક્રમણ વધે નહિં તે માટે અને લોકોને ઘર આંગણે દવા અને સારવાર મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ગામડે-ગામડે ધનવંતરી રથ શરૂ કરવામાં આવેલ છે.

તા. ૧૭નાં રોજ બપોરનાં જુનાગઢ જિલ્લાનાં વંથલી તાલુકાના લુશાળા ગામે ધનવંતરી રથ પહોંચ્યો હતો.

પરંતુ ધનવંતરી રથ સવા કલાક રેઢો રહેતા તસ્કરો કળા કરી ગયા હતા.

ધનવંતરી રથ ખાતે કોઇ ન હોવાથી અજાણ્યા શખ્સો કોવીડ-૧૯ કોરોના વાયરસની રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવાની રૂ. ૯૦ હજારની કિંમતની ૬૦ કીટ અને તાવ, શરદી, ઉધરસની સરકારી દવાનો જથ્થો ધનવંતરી રથ ઇકો ગાડીમાંથી ચોરીને નાસી ગયા હતા.

ધનવંતરી રથમાંથી ચોરી થયાનું માલુમ મળતા આરોગ્ય કર્મી.ઓ હાફળા ફાફળા થઇ ગયા હતા. આ અંગે તપાસ કરવા છતાં કંઇ હાથ ન લાગતા ગઇકાલે ધનવંતરી રથ-ઇકો ગાડીનાં ડ્રાઇવર નાથાભાઇ કમાભાઇ મકવાણાએ વંથલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ એસ.ે ડી. સોંદરવા ચલાવી રહ્યા છે.

(12:02 pm IST)