Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

કેશોદનાં અજાબ ગામે એડવોકેટ પર હુમલો-કાર અટકાવી લૂંટની કોશિષ

ત્રણ શખ્સો સહિત ૧પ નાં ટોળા સામે ફરિયાદ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: કેશોદનાં અજાબ ગામે એડવોકેટ પર ત્રણ સહિત ૧પ શખ્સોનાં ટોળાએ હુમલો કરી અને કાર અટકાવી લૂંટની કોશિષ કર્યાની ફરિયાદ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગતો એવી છે કે, જુનાગઢ જિલ્લાનાં કેશોદ તાલુકાનાં અજાબ ગામે રહેતા વકીલ યોગેશકુમાર અમૃતલાલ રતપનપરા તથા નયનભાઇ વડારીયા ગત તા. ૧૪નાં રોજ સાંજના તેમની જીજે-૧૮-બી એલ-૪ર૬રમાં જઇ રહ્યા હતા.

ત્યારે અજાબ ગામે એક અજાણ્યો શખ્સ રસ્તામાં મોટર સાયકલ રાખી ઉભો હોય જેથી યોગેશ રતનપરાએ હોર્ન વગાડી બાઇક હટાવી લેવા વિનંતી કરેલ.

પરંતુ આ ઇસમે ઉશ્કેરાઇ જઇને ગાળો કાઢી હતી બાદમાં અન્ય બે અજાણ્યા શખ્સોએ એડવોકેટને ઢીકાપાટુનો માર મારી અધમુઆ કરી નાંખ્યા હતા.

દરમ્યાનમાં અમિતભાઇની દુકાનમાંથી દાતરડા લઇ આવી એક ઇસમે હુમલો કરી કાર લઇ જતા અટકાવી કારમાં નુકશાન પહોંચાડયું હતું.

તેમજ હુમલાખોરોએ લાકડી-પાઇપ વડે ગેરકાયદે મંડળી રચી હુલ્લડ કરી એડવોકેટ રતનપરા પાસેથી નાણાંની લૂંટની કોશિષ કરી હતી.

આ અંગે ગઇકાલે યોગેશ રતનપરાએ ફરિયાદ આપતા પોલીસે હરેશભાઇ દરબાર, સમજુભાઇ દરબાર તેમજ અજાણ્યા ૧૦ થી ૧પ માણસોનાં ટોળા સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ કેશોદનાં પી.એસ.આઇ. પી. એસ. ઝાલા ચલાવી રહ્યા છે.

(12:02 pm IST)