Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જુનાગઢ જિલ્લા જેલમાંથી વધુ પાંચ મોબાઇલ ફોન હાથ લાગ્યા

જડતી સ્કવોડની ૬ કેદી સામે કાર્યવાહી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૯ : જુનાગઢ જિલ્લા જેલમાંથી વધુ પાંચ મોબાઇલ ફોન મળી આવતા છ કેદી સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

તાજેતરમાં એસ.પીરવિ તેજા વાસમ શેટ્ટીની આગેવાનીમાં ક્રાઇમ બ્રાંચ વડા એસઓજી વગેરેએ ઓચિંતુ ચેકિંગ હાથ ધરીને જુનાગઢ જેલમંથી મોબાઇલ ફોન તેમજ ચાર્જર વગેરે કબ્જે કરેલ.

દરમ્યાન ગઇકાલે સાંજના અધિક પોલીસ મહા નિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી અમદાવાદની ઝડતી સ્કવોડના જેલર દેવસીભાઇ રણમલભાઇ વગેરેએ સરપ્રાઇસ ચેકીંગ હાથ ધર્યુ હતું.

બે કલાકની આ કાર્યવાહી દરમ્યાન જેલમાંથી કેદીઓના કબ્જામાંથી પાંચ મોબાઇલ ફોન મળી આવતા જપ્ત કરવામાં આવેલ.

આ અંગે જુનાગઢ એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં જેલના કાચા કામના કેદીઓ રાજુ ભીમા સંઘલ, ભોુ બચુ વાસણ, રવિ રામભાઇ પરમાર, સિકંદર લીયાકતઅલી બુખારી, આસિફ ઉર્ફે જીન્નત રફીક પઠાણ અને આમદ ઉર્ફે અમીન કાસમ મજેઠીયા સહિત છ કેદી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

વિશેષ તપાસ પી.એસ.આઇ. વી.યુ.સોલંકી ચલાવી રહ્યા છે.

આમ જુનાગઢ જિલ્લા જેલમાંથી વધુ પાંચ મોબાઇલ ફોન મળી આવવાની ઘટનામાં જેલના કર્મચારીઓની ભૂમિકા હોવાની શંકા સેવાઇ રહી છે.

(12:28 pm IST)