Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

જયારે, એ યુવાન બુટલેગર બનવાને બદલે બેંકનો આસી. મેનેજર બની ગયો

દારૂના ધંધામાં પાપા પગલી માંડનાર યુવાનના જીવનનું વહેણ વિસાવદરના પીઆઇ એન.આર.પટેલની સમજાવટથી બદલી ગયું : જુનાગઢ જીલ્લામાં ખરા અર્થમાં પ્રજાકીય કામગીરી દ્વારા લોકોમાં ઉમદા છાપ ઉભી કરવાની ત઼ંદુરસ્ત સ્પર્ધા એસપી રવી તેજા વાસમ શેટ્ટી તથા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના નેતૃત્વમાં શરૂ થઇ છે

રાજકોટ, તા., ૧૯: જુનાગઢ જીલ્લાના પોલીસ તંત્રમાં હાલમાં ભારે સ્પર્ધા ચાલી રહી છે, આટલુ વાંચી કોઇ ભળતા-સળતા  અનુમાનો કરશો નહી, આ સ્પર્ધા તંદુરસ્ત સ્પર્ધા છે. લોકોમાં પોલીસની કામગીરી ખરા અર્થમાં ઉમદા છે તે પ્રકારની છે. વણજાહેર  આ સ્પર્ધાનું સુકાન જુનાગઢ જીલ્લા પોલીસ વડા રવી તેજા વાસમ શેટ્ટી તથા ગુજરાતના  પોલીસ તંત્રમાં પોતાના હકારાત્મક વલણ માટે જાણીતા એવા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ સંભાળ્યું છે.

સ્વભાવિક રીતે જયારે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પોઝીટીવ વલણવાળા હોય ત્યારે અન્ય અધિકારીઓ તથા સ્ટાફને પણ સંગ એવો રંગ લાગી જતો હોય છે. તો ચાલો  જાજો સસ્પેન્સ જાળવ્યા વગર મૂળ વાતથી વાકેફ થઇએ.

વિસાવદરની પોલીસ ઇન્સ્પેટકર તરીકે ફરજ બજાવતા એન.આર.પટેલના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી એક ફોન આવ્યો,  આ ફોન દિપોત્સવીની શુભેચ્છા અથવા દારૂ -જુગારની બાતમીનો હશે તેવું અનુમાન કરી  ફોન સ્પીકર પર રાખી પોલીસ ઇન્સ્પેકટર એન.આર.પટેલે ફોન રીસીવ કર્યો. ફોન પર  તેઓ વાત સાંભળતા ગયા તેમ તેમ પીઆઇ એન.આર.પટેલ સાથે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા પણ પ્રસન્ન થયા અને તુર્ત જ પીઆઇને અભિનંદન આપ્યા.

વાત એમ બની હતી કે વિસાવદરના પીઆઇ એન.આર.પટેલ જયારે બનાસકાંઠા પંથકમાં ફરજ બજાવતા હતા તેવા સમયે તેઓએ એક યુવાનને દારૂના કેસમાં હેરફેર કરતો ઝડપી લીધેલ. પીઆઇ એન.આર.પટેલને મનોમન લાગ્યું કે આ નિર્દોષ યુવાન આડા રસ્તે ફંટાઇ ગયો છે. આવી પ્રવૃતીમાં ચાલુ રહેશે તો તેની કારકીર્દી રોળાઇ જશે અને બુટલેગર બની જશે. આથી પીઆઇ એન.આર.પટેલે એ યુવાનને સારી રીતે સમજાવી આવો ધંધો છોડી ઇમાનદારીનો ધંધો કરવા સમજાવ્યો હતો.

દરમિયાન આ દિવાળીના દિવસે જ તેમના પર જે અજાણ્યા નંબર પરથી ફોન આવેલ તે એ જ યુવાનનો હતો કે જેને દારૂમાં પીઆઇ એન.આર.પટેલે પકડી આવા ધંધાને તિલાંજલી આપવા લાગણી પુર્વક સમજાવેલ.

એ યુવાને મોબાઇલ ફોન કરી દિવાળીના તહેવારોની શુભેચ્છા સાથોસાથ એવું કહયું કે 'સાહેબ, આપ તો મારા ગુરૂ છો, આપની સલાહે મારા જીવનનું વહેણ બદલી નાખ્યું છે, હું આજે એક સારી બેન્કમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું' આમ આ ઘટના ખારા રણમાં મીઠી વીરડી સમી છે.

(12:26 pm IST)