Gujarati News

Gujarati News

News of Thursday, 19th November 2020

દ્વારકા, નાગેશ્વર, બેટ દ્વારકા, શિવરાજપુર બીચ ઉપર તહેવારોમાં પ્રવાસીઓ ઉમટયા

દિપાવલી પર્વમાં બજારોમાં ભારે ભીડ : ઠેકઠેકાણે ટ્રાફીક જામ

(કૌશલ સવજાણી દ્વારા) તા.૧૯ : દેવભૂમિ જિલ્લાના દ્વારકાનો શિવરાજપૂર બીચ કે જેને તાજેતરમાં બ્લ્યુ ફલેગનો નેશનલ દરજ્જો મળ્યો છે ત્યાં એકી સાથે હજારો લોકો ઉપટી પડયા હતાં.

આઠથી દશ હજાર લોકો ઉમટતા ટ્રાફીક જામના દૃશ્યો સર્જાયા હતા તથા પાર્કીંગ ફુલ થઇ જતાં લોકો રસ્તા પર, ખેતરોમાં ગાડીઓ પાર્ક કરી જતા હતાં.

શિવરાજપુર બીચ પર હજારો લોકો ઉમટતા તથા તંત્રના માણસો જ વ્યવસ્થામાં ના હોય અને પોલીસ તંત્ર પણ ના હોય માસ્કના નિયમના લીરેલીરા ઉડાડતા હજારો યાત્રીઓ વગર માસ્કે બિંદાસ્ત ફરતા જોવા મળ્યા હતાં તો આવડી સંખ્યામાં લોકો ઉમટવાના સ્થળે પણ સમ ખાવા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ ના હોય ઠેકઠેકાણે ટ્રાફીક જામના દૃશ્યો સર્જાયા હતાં.

ખંભાળીયામાં ફટાકડાની દુકાનોવાળા ત્રણ-ચાર વખત પૂરો સ્ટોક ભરવા છતાં દિવાળીની રાત્રીના તમામ દુકાનદારોના ફટાકડા ખાલી થઇ ગયા હતાં તથા રાત્રીના ૮થી ૧૦ને બદલે સવારના પાંચ વાગ્યા સુધી ફટાકડા ફોડવાનું અવિરત રહ્યું હતું.

પો.ઇ. જી.આર. ગઢવી તથા પો.સ.ઇ. જાડેજા , સી.બી.વી. સ્ટાફ દ્વાર ચૂસ્ત બંદોબસ્ત રખાયો હોય કંઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ગગવાલી ફળીમાં એક પડદા આસનીયાની દુકાનમાં શોક સરકીટથી આગ લાગતા નીતિનભાઇ ગણાત્રા તથા દિલીપભાઇએ ફાયર બ્રિગેડને જાણ કરી વીજ તંત્રને જાણ કરતા લાઇટ બંધ કરી દેતા આગ અટકી હતી તથા રહેવાસીઓએ ઘરમાં ડોલ તથા પાણીની નળીથી આગ કાબુમાં લીધી હતી.

દ્વારકા, નાગેશ્વર તથા બેટ દ્વારકા ભાવિકો હજારોની સંખ્યામાં ઉમટી પડયા હતાં.

દ્વારકા ગોમતીઘાટ, રીલાયન્સના બ્રીજ તથા દરિયાકાંઠે તથા દ્વારકા મંદિરે હજારો ભાીવકો ઉમટી પડયા હતાં. જોકે ડીવાયએસપી સમીર સારડાએ ચુસ્ત બંદોબસ્ત સાથે મંદિર તથા બહારના ભાગમાં પોલીસ બંદોબસ્ત રાખીને ભીડ ના થાય તે માટે તબક્કાવાર દર્શનાર્થી મોકલવા આયોજન કરાતા રાહત થઇ હતી.

નાગેશ્વર મહાદેવ મંદિરે હજારો ભાવિકો ઉમટયા હતાં તથા બેટ દ્વારકામાં તો રેઢારાજની જેમ મન ફાવે તેમ યાત્રીકો બોટમાં ભરીને લઇ જવાતા હતાં તો જેટી પર છેક ઓખા સુધી વાહનોના થપ્પા લાગી ગયા હતાં.

(12:58 pm IST)