Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

થાનના અભેપર રોડના બંધ કારખાનામાં દરોડોઃ ૩.૧૫ લાખનો દારૂ અને બીયરનો જથ્‍થો ઝડપાયો

થાનના યુવરાજ ખાચરે દારૂ મંગાવ્‍યો હતોઃ કટીંગ થાય એ પહેલા પોલીસ ત્રાટકીઃ પતરાના શેડમાં અને ઇકો કારમાં પણ જથ્‍થો હતોઃ કુલ ૫.૧૫ લાખનો મુદ્દામાલ કબ્‍જે : પીએસઆઇ એન. પી. મારૂની બાતમી પરથી પીઆઇ એ. એચ. ગોરી અને ટીમનો સફળ દરોડો

રાજકોટ તા. ૧૯: થાનગઢમાં અભેપર ગામ તરફ જવાના કાચા રસ્‍તે આવેલા બંધ કારખાનામાં થાનના યુવરાજ વસ્‍તુભાઇ ખાચરે દારૂનો જથ્‍થો ઉતાર્યો છે અને કટીંગ થવાનું છે તેવી બાતમી પરથી થાન પોલીસે દરોડો પાડતાં કારખાનાના ડેલા અંદર પતરાના શેડમાંથી અને ત્‍યાં પડેલી ઇકો કાર જીજે૧આરવી-૨૦૬૮માંથી કુલ રૂા. ૩,૧૫,૨૦૦નો દારૂ બીયરનો જથ્‍થો મળી આવતાં દારૂ-બીયર અને કાર મળી કુલ રૂા. ૫,૧૫,૨૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી આરોપી યુવરાજ તથા તપાસમાં ખુલે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ઉચ્‍ચ અધિકારીઓની સુચના અન્‍વયે પીઆઇ એ. એચ. ગોરીની રાહબરીમાં પીએઅસાઇ એન. પી. મારૂ, એએસઆઇ જયેશભાઇ પટેલ, કોન્‍સ. રાજેશભાઇ મેણીયા, મનોજભાઇ ઝાલા, દિલીપભાઇ લકુમ, ઇન્‍દ્રજીતસિંહ પરમાર સહિતની ટીમે અભેપરના કાચા રસ્‍તે બંધ પડેલા કારખાના કે જેના ડેલા પર જય માંડવરાયજી ફાર્મ અને જય માતાજી જય મેલડી મા સત્‍ય છે એવું લખાણ લખેલુ હતું ત્‍યાં દરોડો પાડતાં અંદરથી દારૂ બીયરનો જથ્‍થો મળી આવ્‍યો હતો. આ દારૂ બીયરનો જથ્‍થો થાનગઢના યુવરાજ ખાચરે ઉતાર્યો હોવાનું ખુલ્‍યું હતું. પરંતુ તે કે બીજા કોઇ આરોપી ડેલામાંથી હાજર ન મળ્‍યા હોઇ ગુનો નોંધી મુદ્દામાલ કબ્‍જે કરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

(10:56 am IST)