Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ધોરાજીમાં રાજાશાહી સમયનાં બુગદાની સફાઈ કરવા તંત્ર સજાગ બનશે?

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી, તા., ૧૯: શહેર પ્રજા વત્સલ અને દૂરંદેશી રાજવી સર ભગવતસિંહજીએ વસાવ્યું હતું. રાજવી સર ભગવતસિંહજી વિદેશ જઇ એન્જીનીયરનો અભ્યાસ કર્યો હતો. જેના પરિણામે પોતાનાં સ્ટેટ ધોરાજી, ઉપલેટા અને ગોંડલ શહેરમા જે તે સમયે અદભુત ટાઉન પ્લાનિંગ નિર્માણ કર્યુ હતું. નવાં વિકસિત પ્લોટ, તેના પહોળા રોડ, રસ્તા, અંડર ગ્રાઉન્ડ કેબલ ધરાવતી સ્ટ્રીટ લાઈટો અને પાણીના નિકાલ માટે વિશાળ બુગદા બનાવી શહેરોને આધુનિક રીતે નિર્મિત કર્યા હતા. ત્યારે રાજાશાહી વખતના બુગદા વોકળાની સમયસર સફાઇ કરવા તંત્ર સજાગ બને તેવી માંગણી ઉઠી છે.

તાજેતરમાં સરકારે ઠેર ઠેર ભૂગર્ભ ગટરો બનાવી પરંતું વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા ન કરાઈ. ત્યારે સર ભગવતસિંહજી એ બનાવેલા અંદર ગ્રાઉન્ડ વિશાળ બુગદાઓ પાણીના નિકાલ નો સ્ત્રોત બન્યા. પરિણામે શહેરમા પાણી ભરાવા નો પ્રશ્ન ઓછો ઉદભવે છે.

પરંતુ આજે એ બુગડા ઓ ની સફાઈ પરત્વે સરકારી તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે.

શહેરમાંથી પસાર થતા હોંકળાઓ અને બુગદાઓ સફાઈના અભાવે ગંદકી નુ ઘર બન્યા છે.  સાઇડિંગ પ્લોટ વિસ્તારમાં પસાર થતા વોંકલા અને બુગદા જાણે કચરા પેટી હોઈ તેમ ગંદકી અને કચરાના ઢગલા થી ખદબદી રહ્યાં છે.આ મામલે ધોરાજી પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકાનાં સતાધિશો યોગ્ય પગલાં ભરે તેવી માંગણી ઉઠી છે.

(11:34 am IST)