Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

મોરબી: શ્રમ આયુક્તની કચેરી દ્વારા કારખાનાના કર્મચારીઓ-શ્રમિકોને ‘હું મતદાન જરૂર કરીશ’ તેવી પ્રતિજ્ઞા લેવડાવાઈ.

મોરબી : ગુજરાતમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીની જોરસોરમાં તૈયારી ચાલી રહી છે. મોરબી જિલ્લામાં પણ આગામી ૧લી ડિસેમ્બરે મતદાન યોજાનાર છે જે અન્વયે લોકોને મતદાન માટે જાગૃત કરવા માટે વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત દરેક કારખાના, કંપનીઓ, ઉદ્યોગો અને અન્ય સંસ્થાઓને તેમના હસ્તક કામ કરતા કર્મચારીઓને મતદાનના દિવસે સવેતન રજા આપવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

  આ બાબતે મોરબીના ખાનગી સિરામીકના કારખાનાના અધિકારી જણાવે છે કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે દરેક નાગરિકને અધિકાર છે કે, તે આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બને. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારા કારખાના અને સમગ્ર ઉદ્યોગમાં મોરબી તેમજ અન્ય જિલ્લાના લોકો રોજગારી મેળવી રહ્યા છે ત્યારે અમે સૌને મતદાન માટે એક દિવસની સવેતન રજા આપીશું જેથી તેઓ તેમના મત અધિકારનો યથોચીત ઉપયોગ કરી શકે.
  સૌને અપીલ કરતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની આ ચૂંટણીના મહાપર્વમાં લોકો જંગી બહુમતિમાં મતદાન કરે તો જ ખરા અર્થમાં આ મતાધિકારનો સાર્થક ઉપયોગ થઈ શકશે. તો ચાલો સૌ હરખથી મતદાન કરીએ અને સાથે મળી લોકશાહીના પર્વમાં ભાગીદાર બનીએ.
વધુમાં મદદનીશ શ્રમ આયુક્ત મેહુલ હિરાણી અને જિલ્લા શ્રમ આયુક્તની કચેરીની સમગ્ર ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમો સાથે જોડાયેલા કર્મચારીઓ અને મજૂર મતદાનની આ પ્રક્રિયામાં ભાગીદાન બને તે માટે વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અન્વયે કારખાનાના કર્મચારીઓ અને મજૂર પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે શ્રમ આયુક્તની કચેરી દ્વારા તેમને ‘હું મતદાન જરૂર કરીશ’ તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી

(9:47 pm IST)