Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

વીર સાવરકરનું અપમાન કરનાર રાહુલ ગાંધીને દેશના ઇતિહાસની ખબર નથી : હેમંત બિશ્વા શર્મા

અંજારમાં ભાજપના ત્રિકમભાઈ છાંગાના પ્રચારમાં આવેલા આસામના મુખ્‍યમંત્રીએ કોંગ્રેસ ઉપર પ્રહારો કરી નરેન્‍દ્રભાઈ મોદીને ગણાવ્‍યા રાષ્ટ્રવાદના પ્રહરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૯ : કચ્‍છમાં ભાજપે ઝંઝાવાતી ચુંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. મધ્‍યપ્રદેશ પછી આસામના મુખ્‍યમંત્રીએ વીર સાવરકરના બ્‍યાનના મુદ્દે કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. મધ્‍યપ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે માંડવી અને અબડાસા ક્ષેત્રનો પ્રવાસ કર્યો હતો. જયારે આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા શર્માએ અંજાર અને ગાંધીધામનો પ્રવાસ કર્યો હતો. અંજાર મધ્‍યે ભાજપના ઉમેદવાર ત્રિકમ છાંગા (માસ્‍તર)ના જન સમર્થનમાં યોજાયેલી વિશાળ બાઇક રેલી બાદ ટાઉન હોલ મધ્‍યે જનસભાનું આયોજન થયું હતું.

જેમાં આસામના મુખ્‍યમંત્રી હેમંત બિશ્વા શર્માએ વીર સાવરકરના મુદ્દે રાહુલ ગાંધીએ કરેલા નિવેદન અંગે કોંગ્રેસને આડે હાથ લઈ રાહુલ ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીને દેશના ઇતિહાસની ખબર ન હોવાનું જણાવી બિશ્વા શર્માએ તેમને હિન્‍દુ સંસ્‍કૃતિ અને ભારતના વિરોધી ગણાવ્‍યા હતા. આસામના મુખ્‍યમંત્રીએ રામ મંદિર, કાશ્‍મીરની કલમ ૩૭૦ સહિતના અનેક પ્રશ્નો સંદર્ભે રાષ્ટ્ર હિતમાં નિર્ણય લેનાર વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહની પ્રશંસા કરી હતી.

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી રાષ્ટ્રવાદી અને વિકાસ લક્ષી કામગીરી સાથે દેશને આજે આગળ ધપાવી રહ્યા હોવાનું જણાવી ભાજપનો પ્રચંડ જન સમર્થનથી વિજય થશે એવો વિશ્વાસ દર્શાવ્‍યો હતો.

ભાજપના અંજાર બેઠકના ઉમેદવાર ત્રિકમ છાંગા, પ્રભારી બાબુભાઈ હુંબલ, પૂર્વ મંત્રી વાસણભાઇ આહીર, શંભુભાઈ આહીર સહિતના આગેવાનોએ પ્રાસંગિક પ્રવચનો કરી રાજયની સાથે કચ્‍છ તેમ જ અંજારના વિકાસની વિગતો આપી હતી.

(11:08 am IST)