Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

સૌરાષ્‍ટ્રમાં નરેન્‍દ્રભાઇને આવકારવા લોકોમાં થનગનાટ

શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ચુંટણી પ્રચારનું બ્‍યુગલ ફુંકશેઃ કાલે વેરાવળ, અમરેલી, ધોરાજી, બોટાદમાં અને સોમવારે સુરેન્‍દ્રનગર, ભાવનગરમાં જાહેરસભા

રાજકોટ, તા., ૧૯: રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિધાનસભા ચુંટણીનો માહોલ જામ્‍યો છે. ત્‍યારે કાલે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરીને ચુંટણી પ્રચારનું બ્‍યુગલ ફુંકશે. સૌરાષ્‍ટ્રમાં શ્રી નરેન્‍દ્રભાઇને આવકારવા થનગનાટ છે.

કાલે વેરાવળ, અમરેલી, ધોરાજી, બોટાદમાં તથા સોમવારે સુરેન્‍દ્રનગર, ભાવનગરમાં જાહેરસભા યોજાઇ છે.

આજે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીનો ચુંટણી  પ્રચાર ગુજરાતમાં દક્ષિણથી શરૂ થશે. વડાપ્રધાન આજે સાંજે ૭.૩૦ કલાકે વલસાડમાં જનસભાને સંબોધીત કરશે. વડાપ્રધાન રાત્રી રોકાણ પણ અહી કરવાના છે. જયારે રવિવારે  વડાપ્રધાન કાલે સોમનાથ મંદિરમાં પુજા-અર્ચના કરશે ત્‍યાર બાદ વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધીત કરશે. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી વેરાવળમાં સવારે ૧૧ કલાકે, ધોરાજીમાં બપોરે ૧ર.૪પ કલાકે, અમરેલીમાં બપોરે ર.૩૦ કલાકે અને બોટાદમાં સાંજે ૬.૧પ કલાકે સભા કરશે. આ પછી વડાપ્રધાન ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

વડાપ્રધાન સોમવારે ત્રણ સભાઓને સંબોધીત કરશે. વડાપ્રધાન સુરેન્‍દ્રનગરમાં બપોરે ૧ર કલાકે જનસભા  સંબોધીત કરશે. જયારે બપોરે ર કલાકે જંબુસરમાં અને સાંજે ૪ કલાકે નવસારીમાં ચુંટણી પ્રચાર કરશે.

વઢવાણ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી  ર૧ મીએ સુરેન્‍દ્રનગર આવે છે ત્‍યારે સુરક્ષા વ્‍યવસ્‍થાના બંદોબસ્‍ત સહીત ચકાસણીનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપના ઉમેદવારો ઝાલાવાડની પાંચ બેઠકો માટે કમળ ખીલ્‍વવા પ્રચારોની જાહેરસભા, રેલીઓ યોજાશે. તેમાં વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની ચુંટણી સભાનું આયોજન સુરેન્‍દ્રનગર પાસે દુધરેજ રોડ પર થઇ રહયું છે. આથી ભાજપની ટીમે મંડપ વ્‍યવસ્‍થા, જમણવાર, પાર્કીગ સહીતની પોલીસ વિભાગ  પણ એલર્ટ બની સભાના સ્‍થળ, રસ્‍તાની ચકાસણી કરી રહી છે.

વેરાવળ

 (મિનાક્ષી-ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ : ભારતના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્‍ટના અધ્‍યક્ષ નરેન્‍દ્રભાઇ  મોદી તારીખ ૨૦ નવેમ્‍બર સોમનાથ ખાતે ભારતીય જનતા પાર્ટીની ચુંટણી જાહેરસભા સંબોધન કરવા આવનાર હોઇ આ અંગે તડામાર તૈયારીઓ સોમનાથ મંદિરે-હેલીપેડ અને પસાર થવાના માર્ગે તેમજ સભાસ્‍થળે ધમધમી રહી છે.

તેઓ  વિશ્વ પ્રસિધ્‍ધ ભારત બાર જયોર્તીલીંગ પ્રથમ સોમનાથ મંદિરની પણ મુલાકાત લઇ દર્શન-પૂજન-જાણકારી મેળવશે.  નરેન્‍દ્ર મોદી વર્ષ ર૦૦૯ થી સોમનાથ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી છે અને ૧૯ જાન્‍યુઆરી ર૦ર૧ થી સોમનાથ ટ્રસ્‍ટના અધ્‍યક્ષ છે.

નરેન્‍દ્ર મોદી તા.૧૬ તા.૧૬-૩-ર૦૧૭ના રોજ સોમનાથ આવેલા હતા તે પછીની રૂબરૂ આ પ્રથમ મુલાકાત છે.

તેઓના આગમનને પગલે જડબેસલાક  પોલીસ સુરક્ષા બંદોબસ્‍ત સોમનાથ ખાતે ગોઠવાયો છે.

જુનાગઢ રેન્‍જ આઇજી મયંકસિંહ ચાવડાએ સ્‍વયં સોમનાથ ખાતે મુકામ રાખ્‍યો છે અને બંદોબસ્‍ત સમીક્ષા-માર્ગદર્શન અને રીર્હસલ સહીતની કામગીરી સુપેરે પાર પાડી છે. રેન્‍જ આઇજી મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન હેઠળ  ૭ એસ.પી., ૧૪ ડી.વાય.એસ.પી., ૩૦ પી.આઇ.,૮૦ પી.એસ.આઇ., ૧૪૦૦ પોલીસ જવાનો  અને  બે  કંપની  એસ.આર.પી.  ખડેપગે રહેશે. બંદોબસ્‍તમાં ત્રણે રેન્‍જના પોલીસ અધિકારીઓ ઉપરાંત બહારથી પણ પોલીસ સલામતી કાર્યમાં જોડાશે.

(1:51 pm IST)