Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

કોંગ્રેસે લાંબા સમય શાસન કર્યું છતાં પ્રશ્નો ન ઉકેલ્‍યા : ભૂપેન્‍દ્રભાઇ પટેલ

મોરબીના ટંકારામાં ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઇ દેથરીયાના સમર્થનમાં જાહેરસભા યોજાઇ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ૮૯ બેઠક માટે ગુરૂવારે ફોર્મ પાછા ખેંચાયા પછી હવે ચિત્ર સ્‍પષ્ટ થયું છે. ત્‍યારે સત્તા મેળવવા માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્‍ટાર પ્રચારકો લોકોની વચ્‍ચે જઈ રહ્યાં છે. ત્‍યારે ટંકારા ખાતે રાજયના મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ ચૂંટણી પ્રચાર માટે આવ્‍યા હતા. તથા ટંકારા બેઠકના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયાના સમર્થનમાં મધ્‍યસ્‍થ કાર્યાલય, રવાપર ચોકડી મોરબી ખાતે સભાને સંબોધીત કરી હતી. ઝૂલતા પુલની દુર્ઘટનાને પગલે આ કાર્યક્રમમાં મુખ્‍યમંત્રીનું ખેસ પહેરાવી સાદાઈથી સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.

જયાં તેમણે મહર્ષિ દયાનંદ સરસ્‍વતીની ભૂમિ કહીને સંબોધન શરૂ કરતા કહ્યું હતું કે, ચુંટણીમાં જાત જાતની વાતો સાંભળવા મળે તેના પરથી આપણે મતદાન કરતા હોઈએ કોઈનો વિશ્વાસ કેળવવો અને વિશ્વાસ કેળવ્‍યા પછી ટકાવી રાખવો એ અગત્‍યની વાત છે. આ સાથે નામ લીધા વિના કોંગ્રેસ પર પ્રહારો કરતા તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, આ ગુજરાતની તકલીફોને લાંબા સમય સુધી જેણે શાસન કર્યું એ દૂર ન કરી શક્‍યા એટલે ગુજરાતે ભાજપને શાસન પર બેસાડ્‍યા. જે દિવસે પીએમ મોદીએ શાસનનું ધુરા સાંભળી. તેમણે વિકાસની રાજનીતિ અપનાવી. એ તેનું ઉદારહણ આજે ગુજરાત નિહાળી રહ્યું છે. બે દાયકા પહેલા પાણી, વિજયી, આરોગ્‍ય. ધંધા રોજગાર સહિતની પાયાની સવલતોનો અભાવ હતો. તેમાંય લાઈટ અને પાણીના અભાવે ખેડુતુનોને ઘણી તકલીફ વેઠવી પડી. ગુજરાતમાં છેવાડાના માનવી સુધી પાયાની સવલત મળે એ માટે પીએમ મોદીએ કવાયત શરૂ કરી હતી અને આજે ઘરે ઘરે પાણી અને વિજળીની સવલતો મળે છે તેવું તેમણે જણાવ્‍યું હતું.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, ગુજરાતમાં જે ફેરફાર થયા તે દેશ અને દુનિયા જોઈ રહી છે. વિશ્વાસને ટકાવી રાખી પ્રજાને પડતી મુશ્‍કેલી કેમ દુર કરી શકાય તેના માટે હમેશ વિચાર કરી કામ શરુ કર્યું હતું. નાના ગામોને જોડતા રસ્‍તાનો પણ એક સમયે અભાવ હતો ત્‍યારે પમ મોદીએ નવા રોડ-રસ્‍તા બનાવ્‍યા, આરોગ્‍ય સુવિધાઓ આપી આજે દરેક જીલ્લા, તાલુકામાં ધંધા રોજગાર યોગ્‍ય રીતે ચાલે છે. ખેડૂત ખેતીથી ખુશ છે. ઘણાં રાજયો માં તો રોડ-રસ્‍તાનું જેટલું નેટવર્ક નથી તેનાથી મોટું તો નેટવર્ક તો ગુજરાતની કેનાલમાં બનાવ્‍યું છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે, એક સમયે ૨૧ યુનિવર્સીટી હતી આજે ૧૦૩ યુનિવર્સીટી થઈ છે. આ બધું ગુજરાતની પ્રજાએ ભાજપ પર મુકેલા વિશ્વાસના કારણે થઈ રહ્યું છે. આજે ૨૦૨૨ માં પણ એ વિશ્વાસ સાથે ફરીથી આપની પાસે આવ્‍યા છીએ તમે મુકેલો વિશ્વાસ છે તે ક્‍યાય એળે ગયો નથી. અમે તો વિકાસની રાજનીતિ કરીએ છીએ. પ્રજા વચ્‍ચે રહી કામ કરવા ભાજપનો દરેક કાર્યકર ટેવાયેલો છે, કોરોના મહામારીમાં માતા પિતા, પત્‍ની છોડી દેનારને ભાજપ કાર્યકરે પ્રજા વચ્‍ચે સેવા કરી છે આ ભાજપની કાર્ય પદ્ધતિ છે જે કહેવું તે કરવું જેના ખાતમુર્હત કર્યા તેના લોકાપર્ણ પણ ભાજપ કરે છે. અનેક કામો શરૂ થયા હશે તેના લોકાપર્ણ આપને જ કરવાના છે

આ સભામાં સાંસદ મોહનભાઇ કુંડારિયા, જયતીભાઈ કવાડિયા, પૂર્વ ધારાસભ્‍ય બાવનજીભાઈ મેતલીયા, રાઘવજીભાઈ ગડાંરા, દિલુભા જાડેજા, સીરામીક એસોસિએશન પ્રમુખ સહિતના કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા. નોંધનીય છે કે મુખ્‍યમંત્રીની ઉપસ્‍થિતિમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત જાંબુડિયા ગામના આગેવાન, આમ આદમી પાર્ટીના આગેવાન અને પાનેલી ગામના ઉપસરપંચ પણ ૨૦ કાર્યકરો સાથે ભાજપમાં જોડાયા હતા. તથા PAASના આગેવાનોએ પણ CM પટેલની ઉપસ્‍થિતિમાં કેસરિયો ખેસ ધારણ કર્યો હતો.

(1:04 pm IST)