Gujarati News

Gujarati News

News of Saturday, 19th November 2022

જૂનાગઢથી સરાડીયા ચાલુ કરી રાણાવાવને જોડી હાપા સુધી ટ્રેન ચાલુ કરો

૧૧૦ વર્ષ જુની નવાબી શાપુર-સરાડિયા ટ્રેન ૩૯ વર્ષથી બંધ : વર્ષ ૧૯૭૭માં બંધ કરાયેલી નવાબી ટ્રેનને રાકેશ લખલાણીએ અનસન કરી પાટા પર દોડતી કરેલ : સને ૧૯૮૩ના પૂર હોનારતમાં બંધ કરી દેવાઈ, થોડા વર્ષ પહેલા ખોટા હોર્ડીગ્સ લગાવી ટ્રેન મેળવ્યાનો દાવો પોકળ નિકળ્યો : ફરી નવાબી ટ્રેન મેળવવા લોક નેતા કમ પત્રકાર મેદાને

 

 (વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧૯ : રાજાશાહી સમયથી નવાબે શરૃ કરેલ શાપુર-સરાડિયા ટ્રેન છેલ્લા ૩૯ વર્ષ પ માસ અને ૮ દિવસથી બંધ થઈ જવા પામી છે. તેટલું જ નહી ૩૦ વર્ષ પહેલા રેલ્વે સત્તાવાળાઓએ શાપુરથી સરાડિયા સુધીના રેલ્વે પાટા સુધીનું લીલામ કરી નાખતા આજે માત્ર ભુતિયા રેલ્વે સ્ટેશનો મકાનો ખંઢેર જેવા પડુ પડુ હાલતમાં ઉભા છે.

આ અંગે પત્રકાર તરીકે સેવા આપતા અને લોકનાયક તરીકે કામ કરતા રાકેશ લખલાણીએ જણાવ્યું છે કેજુનાગઢના નવાબ રસુલખાને પોતાની આગવી સુઝબુઝ તેમજ દીર્ધ દ્રષ્ટિથી ૧૧૦ વર્ષ પહેલા શાપુર થી સરાડિયા ટ્રેન શરૃ કરી ત્યારે જે તે વખતના વૃધ્ધ-દાદીઓ કાળકામાં માની તેને નાળીયેરથી વધાવી હતી.

આઝાદી પહેલા ન તો પાકા રોડ, રસ્તા કે હાઈવે, નેશનલ હાઈવે જેવું કંઈ જ ન હતું.  માત્ર ટ્રેન મારફત કુતિયાણા સાથેનો એક માત્ર વિકલ્પ હતો. સરાડિયાથી આઝાદી બાદ ધીમે ધીમે એસ.ટી. વ્યવહાર શરૃ થતાં ટ્રેનના સમયે ખાસ બસો તૈનાત રાખવામાં આવતી હતી. આ ટ્રેન શાપુરથી વંથલી, મેઘપુર, ગળવાવ, માણાવદર, બાંટવા, ભલગામ (કોટનાથ)થી સરાડિયા સુધી વહેલી સવાર-બપોર અને રાત્રીના સમય એમ ત્રણ વખત નવાબના વખતથી લોકો માટે ટ્રેન ખુબ જ મહત્વની કડીરૃપ હતી.

નવાબે માણાવદર-બાંટવા પંથક કપાસ માટે મોટું હબ ગણાતા આ વિસ્તારની કપાસની ગાંસડીઓ અહીંથી ગુડસ ટ્રેન મારફત દેશાવરમાં પહોંચાડવામાં મુખ્ય હિસ્સો હતો. વર્ષ ૧૯૭૭-૭૮માં આ ટ્રેન રેલ્વે સત્તાવાળાઓએ એકાએક કોલસાના બહાના તળે બંધ કરી દેવામાં આવતા જે તે વખતના વિધાર્થી નેતા હાલના પત્રકાર રાકેશ લખલાણીએ ૧૧ દિવસ અનશન  શરૃ કરી પશ્ચિમ રેલ્વે સત્તાવાળઓને ટ્રેન ફરી શરૃ કરાવાની ફરજ પડી હતી. જેમાં સ્વર્ગસ્થશ્રી ધરમશીભાઈ પટેલનો પુરતો સહયોગ રહેવા પામ્યો હતો. બાદ સને૧૯૮૦માં બંધ કરી દેવામાં આવતા ફરી રાકેશ લખલાણીએ આંદોલનની ચીમકીના કારણે ફરી ટ્રેન ચાલુ કરવાની ફરજ પડી હતી.

તા.રર/૬/૧૯૮૩માં સોરઠ પંથકમાં ભારે તારાજી સાથે શાપુર-વંથલી અને મેઘપુર ગામ વચ્ચે રેલ્વે ટ્રેનના ટ્રેકમાં ધોવાણ થતા છેલ્લા ૩૯ વર્ષ પ માસ અને ૮ દિવસથી આ ટ્રેન બંધ થઈ જવા પામી છે.

રાકેશ  લખલાણીના જણાવ્યા મુજબ વંથલી-મેઘપુર વચ્ચે જે તે સમયે પ લાખ જેવો ખર્ચ રેલ્વે ટ્રેકનું સમારકામ પણ હાથ ધરાયું હતું. પરંતુ કામ આગળ ન વધતા ફરી રાકેશ લખલાણીએ વર્ષ ૧૯૮૭માં તા.પ/૧૧/૧૯૮૭માં માણાવદર ટાઉન હોલ ખાતે પૂર્વ એમ.પી. મો.લા.પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સુકાભાઈ આંત્રોલીયા, હરીભાઈ પટેલ, કુતિયાણા ધારાસભ્ય સંતોકબેન જાડેજા, માણાવદરના ધારાસભ્ય જશુમતિબેન પટેલ, બાંટવા નગરપાલિકાના રાજકુમાર વાઘવાણી, માણાવદરના ઉદ્યોગપતિ દેવજીભાઈ ઝાટકીયા, કુતિયાણાના નાથાભાઈ વિગેરે આગેવાનો સાથે મીટીંગ બોલાવી હતી.

પરંતુ રાજકીય રંગના કારણે મત મતાંતર થતા વાત આગળ વધી શકી ન હતી. ત્યાર બાદ તા.રર/૧૦/૧૯૯ર ન રેલ્વે તંત્રએ ચાર લોટમાં પાટાની હરરાજી કરી નાખી હતી. એક લોટમાં રૃા.૩૩.પ૦ લાખમાં સલેપાટ/ પાટા વહેચી નામો નિશાન મીટાવી નવાબી ટ્રેન બંધ કરી દેવામાં આવ્યા બાદ થોડા વર્ષ પહેલા માણાવદર સહિતના સ્થળોએ મોટા હોર્ડીગ્સ મારી આ ટ્રેન મંજુર થઈ ગઈ છે. તેવો રાજકીય લાભ ખાટવાના રાજકીય પ્રયાસો થયા હતા. તેને પણ વર્ષો વિતી ગયા બાદ આજદિન સુધી ટ્રેન શરૃ થવાની વાત તો બાજુમાં રહી બજેટમાં પણ લેવામાં આવી નથી.

પશ્ચિમ રેલ્વે દ્વારા થોડા વર્ષો પહેલા માત્ર સર્વે હાથ ધરાયો હતો. જે કામગીરીનું કોઈ નકકર પરિણામ આવ્યું નથી. શાપુર, મેઘપુર પ્રમાણાવદર અને ન્યુ સરાડિયા સુધીનો સર્વે થવા પામેલ છે. પરંતુ ટ્રેન શરૃ થાય તેવા કોઈ જ એધાંણ જોવા મળી રહયા નથી.  શાપુર-સરાડિયા ટ્રેનને સરાડિયા થી આગળ ભાદર નદીના પુલ ઉપર રેલ્વે પુલ બનાવી આ ટ્રેનને રાણાવાવ સાથે કનેકશન (જોઈન્ટ) કરવાની રાકેશ લખલાણીએ રેલ્વે મંત્રી સમક્ષ રજુઆત કરેલ છે.

૨૧ સદીમાં ઝડપી સમયમાં આ ટ્રેન હાપા ટ્રેન સાથે જોડવામાં આવે તો ભવિષ્યમાં યુધ્ધના સમયે પણ લશ્કરી જવાનો માલ-સામાન ઝડપ થી પહોચાડી શકાય ઉપરાંત જુનાગઢ જિલ્લો ખેતી આધારીત જ છે તેનો કપાસ-મગફળી નવો પાક ગુજરાતમાં અગ્રેસર રહેતો હોય જેથી આ વિસ્તારના વિકાસ શાપુર-સરાડિયા ટ્રેનને હાપા ટ્રેન સાથે જોડવાથી અનેક પ્રશ્નોનો ઉકેલ આવી શકે તેમ હોવાનું લોકનાયક રાકેશ લખલાણીએ જણાવ્યું છે.

ગુજરાત ખાતે દિલ્હીમાં ડબ્બલ એન્જીનની-ભાજપની સરકાર હોય આ ટ્રેન આવતા બજેટમાં સમાવેશ કરવાની માંગણી રાકેશ લખલાણીએ કરતાં જણાવ્યું છે કે છતાં પણ સરકાર આ મહત્વોનો પ્રશ્ન ધ્યાને નહી લે તો વર્ષ ર૦ર૩માં એપ્રિલ માસમાં રેલ્વે તંત્ર સામે મોટું લોક આંદોલન છેડે તેવી આગેવાની લેવાની ચીમકી સાથે આ નવાબી ટ્રેન ફરી પાછી મેળવવા તબકકાવાર શાપુર, વંથલી, મેઘપુર, ગડવાવ, માણાવદર, ભલગામ, બાંટવા, સરાડિયા, કુતિયાણા-રાણાવાવ ખાતે લોક સંમેલન યોજવાનું રાકેશ લખલાણીએ એક યાદીમાં જણાવ્યું છે.

(1:13 pm IST)