Gujarati News

Gujarati News

News of Friday, 20th January 2023

અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છમાં પર્યાવરણની જાળવણી માટેના કાર્યોનો પ્રારંભ

૨૦૦૦ વૃક્ષોનું વાવેતર, વરસાદી પાણી સંગ્રહ, બાયોગેસ સહિતના કાર્યો શરૂ

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

મુંદ્રા સ્થિત અદાણી પેટ્રોકેમિકલ અને અદાણી ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિવિધ પર્યાવરણલક્ષી કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો. ગામડાની પ્રવૃત્તિઓની ગ્લોબલ ઈફેક્ટ માટે અદાણી પેટ્રોકેમિકલના સહયોગથી લોકોપયોગી કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વરસાદી પાણીનો સંગ્રહ, તળાવની સંગ્રહ ક્ષમતામાં વૃદ્ધિ, વૃક્ષારોપણ, બિનુપયોગી વનસ્પતિઓનો નિકાલ, ઓગનની ઉંચાઈ વધારવા જેવા અનેક કાર્યો સામેલ છે. અગ્રણીઓની ઉપસ્થિતીમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના વરદહસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો. 

APSEZના એક્ઝિક્યુટિવ ડાઇરેક્ટર રક્ષિતભાઇ શાહ, અદાણી ફાઉન્ડેશન સી.એસ.આર. હેડ પંક્તિબેન શાહ તેમજ આગેવાનોની ઉપસ્થિતીમાં કાંડાગરા-ભોપાવાંઢ રોડ પર 2000 વૃક્ષો માટે વૃક્ષારોપણ શરૂ કરવામાં આવ્યું. અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે “પાણી અને પર્યાવરણનું જતન એ પુણ્યનું કામ છે. માણસ જાતને જો બચવું હશે તો આ બે કામો માટે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ મંત્ર સાર્થક કરવો પડશે. જે ઉદ્યોગગૃહો આ માટે આગળ આવ્યા છે તેમને હું અભિનંદન આપું છું.”

વાયુ પ્રદૂષણ અટકાવવા અને ગૃહીણીઓને સ્વસ્થ રાખવાના ઉદ્દેશથી રસોઈ માટે નવા 220 બાયોગેસ કનેક્શન આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. અગાઉ ફાઉન્ડેશન તરફથી 225 બાયોગેસ સ્થાપિત કરવામાં આવ્યા છે. સિરાચાના કાનજીભાઇ ગઢવી જણાવે છે કે “બાયોગેસને કારણે બહેનો આંખો, ફેફસા અને શ્વાસની બીમારીથી બચે છે. વળી તેનાથી પ્રવાહી ખાતર પણ મળી રહે છે અને રસાયણિક ખાતરથી છૂટકારો મળે છે.  

આ સાથે ઝરપરા ગામની વિદ્યાભારતી શાળામાં બાળકોના જન્મદિવસની ઉજવણી અગ્નિહોત્રી હવન દ્વારા કરવામાં આવી. બાળકો સાથે રક્ષિતભાઈ શાહના જન્મ દિવસની ઉજવણી પણ હવનોપચાર દ્વારા સંપન્ન કરવામાં આવી.

કાર્યક્રમોનું સંકલન અને વ્યવસ્થા અદાણી ફાઉન્ડેશનની ટીમની મદદથી અદાણી પેટ્રોકેમિકલના સિનિયર પ્રોજેકટ ઓફિસર કિશોરભાઇ ચાવડાએ કરી હતી.

(10:50 am IST)