Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

...જ્યારે ઊંટ ગાડી ઉપર બેસી ઉપરાષ્ટ્રપતિએ કચ્છના સફેદરણમાં સૂર્યાસ્ત નિહાળી કહ્યું, "અવિસ્મરણીય ક્ષણો"

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 કચ્છની મુલાકાત દરમિયાન ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ અને લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી સુદેશ ધનખડએ કચ્છના વિશ્વવિખ્યાત સફેદ રણમાં સૂર્યાસ્તનો નયનરમ્ય નજારો નિહાળ્યો હતો. ઉપરાષ્ટ્રપતિશ્રીએ વોચ ટાવરથી સન સેટ પોઇન્ટ સુધી કેમલ સફારીની મજા પણ માણી હતી.

કચ્છના સફેદ રણમાં અસ્ત થતાં સૂર્યની સુવર્ણ ભાસતી આભામાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ પરિવાર સાથે આનંદની ક્ષણો વિતાવી હતી અને સફેદ રણની શાંતિ અને ભવ્યતાથી મંત્રમુગ્ધ થયા હોવાની લાગણી વ્યક્ત કરી કચ્છના રણમાં નિહાળેલ આ સૂર્યાસ્તને જીવનમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરણીય ક્ષણ ગણાવી હતી. વધુમાં તેઓશ્રીએ ધોરડો ખાતે યોજાતા વિશ્વ વિખ્યાત રણોત્સવ એ વર્તમાનને સંસ્કૃતિ સાથે જોડતી હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડએ ધોરડો ગામના સરપંચશ્રી મિંયા હુસેન પાસેથી કચ્છના આ રણની કેવી રીતે કાયાપલટ થઈ, રણ પ્રદેશ કઈ રીતે સમગ્ર વિશ્વ ફલક પર પ્રવાસનના મહત્વના સ્થળ તરીકે પ્રસ્થાપિત થયું વગેરે જેવી ઉત્તરોત્તર થયેલ વિકાસની માહિતી મેળવી હતી.

આ સમગ્ર મુલાકાત દરમિયાન રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ઉપરાષ્ટ્રપતિશ્રીના અંગત સચિવ સુજીત કુમાર, રાજ્યસભાના સેક્રેટરી રજીત પુનહાની, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, ટી.સી.જી.એલ.ના એમડી આલોક પાંડે, જિલ્લા સમાહર્તા દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડ, અબડાસા પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ સહિતના મહાનુભાવો જોડાયા હતા.

(10:22 am IST)