Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ઉપરાષ્ટ્પતિ જગદીપ ધનખડ કચ્છી સંસ્કૃતિથી થયા અભિભૂત

'ધીંગી ધરા કચ્છ' સાંસ્કૃતિક કાર્યક્રમમાં કુદરતી આપદા માંથી ધબકતાં થયેલા કચ્છની પ્રસ્તુતિ સાથે કુદરતી સૌંદર્ય અને ઈતિહાસ, હસ્તકલા વિશે જાણકારી અપાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦

 ઉપરાષ્ટ્રપતિ  જગદીપ ધનખડે પોતાના કચ્છ જિલ્લાના પ્રવાસ દરમ્યાન ધોરડો ટેન્ટ સિટી ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કચ્છી સંસ્કૃતિની ઝલક દર્શાવતી વિવિધ કૃતિઓની પ્રસ્તુતિ ઉપરાષ્ટ્રપતિશ્રીએ માણી હતી. તેઓએ જુસ્સાભેર રજૂ થયેલા સીદી ધમાલ નૃત્યનો આનંદ લીધો હતો. ધીંગી ધરા નામથી રજૂ કરાયેલી નૃત્યની પ્રસ્તુતિમાં કચ્છ કેવી કેવી કપરી આપદાઓમાંથી આપબળે ઉગરીને આજે અડીખમ ઉભું છે તેની કહાણી ઉપરાષ્ટ્રપતિ શ્રી સમક્ષ દર્શાવાઈ હતી. કચ્છની ધરા દરિયો, રણ અને પર્વતો એમ અલગ અલગ ભૌગૌલિક વિવિધતાથી સંપન્ન છે તેના વિશે પણ તેઓને માહિતગાર કરાયા હતા. આ વિવિધ પ્રસ્તુતિ માણીને ઉપરાષ્ટ્રપતિ શ્રીએ જણાવ્યું હતું કે આ પરફોર્મન્સ અદભૂત હતા. તેઓએ તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા. 

 

આ કાર્યક્રમ દરમિયાન લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુદેશ ધનખડ, રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, ઉપરાષ્ટ્રપતિશ્રીના અંગત સચિવ સુજીત કુમાર, રાજ્યસભાના સેક્રેટરી રજીત પુનહાની, ગુજરાત ટુરિઝમ સેક્રેટરી હારિત શુક્લા, જિલ્લા કલેકટર દિલીપ રાણા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ, પ્રોબેશનલ IAS સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે.રાઠોડ સહિત મહાનુભાવો જોડાયા હતા.

(10:19 am IST)