Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

સરકારે ઘરે બેઠા મળતા સસ્‍તા મનોરંજન પર તરાપ મારી : કેબલમાં ૩૫ ટકા ભાવ વધારો : કેબલ કંપનીઓએ પ્રસારણ બંધ કરી કર્યો વિરોધ : લોકપ્રિય સિરિયલો તથા ક્રિકેટ મેચનું પ્રસારણ ઠપ્‍પ

(જીતેન્‍દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૦: ભારત સરકાર દ્વારા ચેનલ કંપનીઓને ભાવ વધારા ની ખેરાત કરી હોય તેમ છુટ આપતા ચેનલ કંપનીઓ એ ૩૫ ટકા જેવો વધારો ગ્રાહકો પર ઠોકતા કેબલ કંપનીઓ ગ્રાહકોની વહારે દોડી જઇ ચેનલોનુ પ્રસારણ બંધ કરી વિરોધ દર્શાવતા ઘરે બેઠા ક્રિકેટ મેચ, લોકપ્રિય સિરિયલો અને ફિલ્‍મોના પ્રસારણ બંધ થતા લોકો અકળાઇ ઉઠયા હતા.કેબલ ફીમા તોતિંગ વધારા સામેની લડતમાં ગ્રાહકો સહકાર આપે તેવી અપીલ કેબલ કંપનીઓ દ્વારા કરાઇ છે.

 દર મહીને રૂ.૩૩૦ ચુકવતા ગ્રાહકોને સીધ્‍ધા રૂ.૫૦૦નો ડામ આવતા ચેનલો દ્વારા કરાયેલા ભાવ વધારા સામે દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠવા પામ્‍યો છે.બીજી બાજુ ડેન,જીટીપીએલ સહિત કેબલ કંપનીઓએ ભાવ વધારા સામે વિરોધ દર્શાવી મહત્‍વની ચેનલોના પ્રસારણ બંધ કરી ગ્રાહકોની પડખે ઉભી રહી છે.જેના કારણે જી,સોની,સ્‍ટારના પેકેજો ઠપ્‍પ થઈ જતા લોકપ્રિય સિરિયલો,ક્રિકેટ મેચ સહિત પ્રસારણો બંધ રહેવા પામ્‍યા છે.જયાં સુધી ભાવ વધારા અંગે યોગ્‍ય નિર્ણય નહી લેવાય ત્‍યા સુધી કેબલ કંપનીઓ પ્રસારણ ઠપ્‍પ રાખવા મક્કમ હોવાનુ સુત્રોએ જણાવ્‍યુ હતુ.

 

(10:39 am IST)