Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

કોટડાસાંગાણીના સતાપરમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં મંજૂર થયેલ રસ્‍તાના કામ મુદ્દે રજુઆત

તાલુકા પંચાયત પ્રમુખની મુખ્‍યમંત્રી સમક્ષ માંગણી

(બશીર બાંગા દ્વારા) કોટડાસાંગાણી, તા. ૨૦  કોટડાસાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખે મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને કોટડાસાંગાણી તાલુકાના સતાપરમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના મંજૂર થયેલ રોડનું કામ સ્‍પેશીપીકશન મુજબ કરવા માંગ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યું છે કે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી કોટડાસાંગાણી તાલુકાના છેવાડાના ગામડાની ખેવના કરી વિકાસની હરણફાળ ભરી રહેલ ગુજરાત સરકારની વણથભી વિકાસ યાત્રામાં સામેલ કરવા માટે કોટડાસાંગાણી તાલુકાના સતાપર ગામથી રમોદ ગામ સુધીનો રોડ રૂા. ૫ કરોડના ખર્ચે કેન્‍દ્ર સરકારમાંથી પ્રધાનમંત્રી ગ્રામસડક યોજનામાં મંજુર કરેલ છે. પરંતુ ખાટલે મોટી ખોટ છે કે પાયા જ નથી.

આ કામની સમય મર્યાદા તા. ૬/૭/૨૦૨૧ થી તા. ૫/૧/૨૦૨૩ સુધીની છે. એટલે કે ૧૮ મહિનાની મુદ્દત હતી જે મુદત તા. ૫/૧/૨૦૨૩ના રોજ પુરી થાય છે. ૩.૦૫ મીટર હૈયાત ડામર સપાટી ખોદીને ૫-૫૦ મીટરમાં ડામર સપાટી કરવાનું કામ છે એટલે કે રોડ ની બંને સાઇડમાં અંદાજે ચાર-ચાર ફુડ પહોળીકરણ કરવાનું કામ છે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ડે. એન્‍જીનીયર કાર્યપાલક ઇજનેર અધિકાર ઇજનેર તથા ચીફ એન્‍જીનીયરને વારંવાર આ કામ બાબતે મૌખિક લેખિત અને ટેલીફોનીક રજુઆત કરવામાં આવેલ હોવા છતાં તેઓ દ્વારા કોઇ યોગ્‍ય પ્રત્‍યુતર પાઠવવામાં આવતો નથી.

આ રોડ ખોદીને વેટમિક્‍સ પાથરીને પેવર મશીન દ્વારા તેમજ રોલિંગ કરીને કામ કરવાનું હોય છે. પરંતુ અંદાજે એકાદ કિલોમીટર જેટલા વિસ્‍તારમાં હૈયાત સપાટી ઉપર જ કામ કરેલ છે. જાગૃત નાગરિકોને ધ્‍યાને આવતા ડામર સપાટી ખોદાવીને કામ કરાવેલ આ કામ કોન્‍ટ્રાકટરની નવરાશ અને પોતાના સમય અનુકુળતા મુજબ જ ત્રુટક -ત્રુટક સમયમાં કરેલ છે.

કોન્‍ટ્રાકટરની પોતાની અનુકુળતાએ કામ કરવાને કારણે વેટમિક્‍સ પાથરેલ જે માંથી માટી ઉડીને આ રોડ ઉપર આવક-જાવક કરતા વાહનો તેમજ રાહદારીઓને સ્‍વાસ્‍થ્‍યમાં ખૂબ જ ગંભીર સમસ્‍યા ઉદ્‌ભવે છે.

કોન્‍ટ્રાકટર અને અધિકારીઓની મિલી ભગતના કારણે આ વિસ્‍તારના લોકોને છેલ્લા ૧૮ માસથી બાનમાં લીધા છે. આ કામ ઉપર સ્‍થળ તપાસ કરનાર કોઇ ઇચ્‍ચ અધિકારી કે કોઇ પ્રધાન છે કે નહિ ?

લાંબા સમય પહેલા ત્રુટક -ત્રુટક સમય ગાળામાં વેટમિક્‍સ કરેલ હોવાથી વેટમિક્‍સની સપાટી લેવલમાં ન હોવાથી ડામર કામમાં થીકનેસ ન મળવાને કારણે હાલની સ્‍થિતીએ કામ બંધ છે.

ડેપ્‍યુટી ઇજનેરને આ કામ બંધ બાબતે, પુછતા તેઓ દ્વારા જણાવેલ કે વેટમિક્‍સના કારણે થીકનેસ ન મળવાને લીધે આ કામ બંધ છે. જે માટે ડામરની એક લેયર મંજુર કરાવવી પડશે તેવું જણાવેલ છે.

જેથી આ મુદ્દે તાત્‍કાલીક યોગ્‍ય કરવા કોટડાસાંગાણી તાલુકા પંચાયતના પ્રમુખે માંગ કરી છે.

(10:46 am IST)