Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગીર સોમનાથમાં સુત્રાપાડાના વિરોદર ગામે જિલ્લા કલેક્‍ટર રાજદેવસિંહ ગોહિલે કરાવ્‍યો સુજલામ સુફલામ જળસંચય અભિયાન-૨૦૨૩નો પ્રારંભ

(દેવાભાઇ રાઠોડ દ્વારા)પ્રભાસ પાટણ તા ૨૦ : રાજ્‍યના ખેડૂતોને મહત્તમ લાભ પહોંચે એવા શુભ હેતુને ધ્‍યાનમાં રાખી રાજ્‍ય સરકારે જળસંચય અભિયાનનો ફેબ્રુઆરી-૨૦૨૩થી જ પ્રારંભ કર્યો છે. આ સમગ્ર અભિયાન ૩૧મી મે ૨૦૨૩ સુધીમાં સમગ્ર રાજ્‍યમાં વેગવંતુ બનશે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વિરોદર ગામે કલેક્‍ટર આર.જી.ગોહીલે સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૩નો શુભારંભ કરાવ્‍યો હતો.

આ તકે કલેક્‍ટરે આ અભિયાન અંતર્ગત પાણીને અમૂલ્‍ય ગણાવતા ઉપસ્‍થિત તમામ લોકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરે તેવા સૂચન સહિત આ અભિયાનમાં સર્વની જનભાગીદારી થાય અને પાણી બચાવીને દરેક વ્‍યક્‍તિ પોતાનું અમૂલ્‍ય યોગદાન આપે એવી અપીલ પણ કરી હતી. જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સી નિયામક  વાય.ડી.શ્રીવાસ્‍તવે આ યોજનાનો મુખ્‍ય હેતુ રાજ્‍યમાં જળસંચયનો વ્‍યાપ વધારવો તેમજ ભૂગર્ભ જળસ્‍તર ઉંચા લાવવા ઉપરાંત સિંચાઈ વ્‍યવસ્‍થા સુદ્રઢ કરવી તેમજ પાણીનો બગાડ ઘટાડવો કહ્યો હતું.

આ અભિયાન દરમિયાન આ તળાવ મનરેગા યોજના અંતર્ગત ગામના જ સ્‍થાનિક ૭૦થી વધુ બિન કુશળ શ્રમીકો દ્વારા કામ કરી ઊંડુ ઉતારવામાં આવશે. જે કામની અંદાજીત રકમ ૬,૭૨,૩૦૯ રૂ. છે. આ કામ દ્વારા કુલ ૧૫૦૦ CUM (ઘન મીટર) માટી કાઢવામાં આવશે અને તળાવ ઊંડું કરવામાં આવશે તેમજ ટોટલ લેબર ખર્ચ ૬,૩૪,૬૧૬/-રૂ. થશે. આ કામમાં કુલ ૨૬૫૫ માનવ દિવસો થશે અને શ્રમિકોનું એક દિવસનું માનવ વેતન વધારેમા વધારે ૨૩૯ રૂ. ચુકવવામાં આવશે. તળાવ ઊંડુ થવાથી અને ચોમાસા દરમિયાન આજુબાજુનાં નદીનું પૂરનું પાણી આ તળાવમાં સંગ્રહ થશે. જેથી આજુબાજુના આશરે ૫ હેક્‍ટરનાં ખેડુતોને ઉનાળા દરમિયાન સિંચાઇ માટે પાણીની તંગી દુર થશે.

આ તકે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંગભાઈ પરમાર, સુત્રાપાડા તાલુકા પ્રમુખ સવિતાબેન પરમાર, નોડલ અધિકારી અને કાર્યપાલક ઈજનેરએ.પી.કલસરિયા સાહેબ, કાર્યપાલક ઈજનેર પંચાયત સિંચાઇશ્રી સહિત ગ્રામજનો પણ બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા

(10:52 am IST)