Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

લખતરના લીલાપુર આસપાસ નર્મદા કેનાલ ઓવરફલો થતા ખેતરોમાં પાણી ફરી વળ્‍યા : ૩ હજાર મણ એરંડા તણાયા : પાકને નુકસાન

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૦ : લીલાપુર નજીક સૌરાષ્ટ્ર શાખા મુખ્‍ય નહેર પમ્‍પીંગ સ્‍ટેશન પાસે લીલાપુર (તા.લખતર)થી નર્મદા મુખ્‍ય નહેર તરફ લીલાપુર-કડુ જવાના માર્ગ ઉપર કેનાલ ચડતા જમણા હાથ ઉપર મુખ્‍ય નહેરની ઓવરફલો પાણીની સાંકળ (પીચકારી) ૭૦૯૭૬ ઉપરથી તા. ૧૯/૨/૨૦૨૩ના રોજ રાત્રે એક કલાકના સુમારે પી.એસ.-૧ થી પી.એસ.-૨ સુધી પાણી પહોંચાડવામાં આવતું હતું, ત્‍યારે પી.એસ.-૨નું ટ્રાન્‍સફોર્મર બંધ થતા પી.એસ-૨થી પાણી પાછુ પડીને લીલાપુર-કડુના માર્ગે આવેલ ઓવરફલો સેકશન ઉપરથી બહાર નીકળીને આજુબાજુના અનેક ખેતરોમાં ફરી વળ્‍યું હોવાનું ખેડુતો જણાવે છે. અંદાજે ૨૦૦ વીઘા ખેતીની જમીનમાં પાણી ફરી વળ્‍યા હતા. ખેડુતોએ એરંડાનો પાક લણીને ખળામાં મુકેલ તે આશરે ૩૦૦૦ મણ એરંડા આ પાણીમાં તણાઈ જતા ખેડુતોના મોઢે આવેલ કોળીયો ઝુંટવાઈ ગયો હતો. ઉપરાંત બીજા ખેતરોમાં ઘઉં-કપાસના પાકને પણ ભારે નુકશાન થયુ હોવાનું જાણવા મળે છે.

તંત્રની બેદરકારીથી લીલાપુર આજુબાજુના ખેતરોમાં આ તારાજી થતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી. સ્‍થળ તપાસ માટે નર્મદા વિભાગના અધિકારીઓને ફોનથી જાણ કરવા છતાં બીજા દિવસે અગિયાર વાગ્‍યા સુધી અધિકારીઓ ન ફરક્‍તા ખેડુતોએ આક્રોશ વ્‍યક્‍ત કરેલ હતો.ᅠ ᅠતંત્રની બેદરકારીથી કેનાલમાં પાણી ઓવરફલો થઈને ખેતરોમાં ઉભા પાકમાં ફરી વળતા નુકશાન વેઠવું પડયુ હોવાથી તંત્ર દ્વારા વહેલીતકે નુકશાનીનો સર્વે કરીને ખેડુતોને વળતર ચુકવવામાં આવે તેવી માંગ ખેડુતોમાંથી ઉઠી હતી. આ અંગે લીલાપુર ગામના આગેવાનોના પંચ દ્વારા પંચ રોજકામ કરવામાં આવેલ હતું.ᅠ

લીલાપુર આજુબાજુના ખેતરોમાં ઓવરફલો થયેલી કેનાલના પાણી ફરી વળતા તારાજી ફેલાયાની જાણ થતા ધારાસભ્‍ય પી.કે.પરમારે સ્‍થળ ઉપર જઈને પરિસ્‍થિતીનો તાગ મેળવી ખેડુતોને હૈયાધારણ આપેલ હતી. ખેડુતોનું કહેવું હતું કે, કેનાલના ઓવરફલોનો નિકાલ નર્મદાની નહેર દ્વારા જ કરવામાં આવે તો આ સમસ્‍યા મહદ અંશે ઉકેલાય તેમ છે.

(10:52 am IST)