Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીના શિવાલયોમાં શિવભક્‍તો ઉમટયા

મોરબી,તા. ૨૦: મોરબીમાં ભગવાન શિવની આરાધનાના મહાપર્વ મહાશિવરાત્રીએ દરેક શિવાલયોમાં હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદ ગુંજયા હતા અને શિવાલયોમાં દર્શન, પૂજા અભિષેક, બીલીપત્રો, દૂધનો અભિષેક તેમજ ચાર પહોરની આરતી અને ભાગનો પ્રસાદ લઈને શિવભક્‍તોએ ધન્‍યતા અનુભવી હતી. દરેક શિવાલયોમાં યોજાયેલા ભક્‍તિસભર કાર્યક્રમોનો મોટી સંખ્‍યામાં લોકોએ શ્રધ્‍ધાભેર લાભ લીધો હતો.

મોરબીના એલ.ઇ.કોલેજ રોડ ઉપર આવેલ અગનેશ્વર મહાદેવ મંદિરે ચાલતી શિવ મહાપુરણ કથાની મહાશિવરાત્રીના પાવન અવસરે પુર્ણાહુતી થઈ હતી. દિવસે શિવકથાનો તેમજ મહાપ્રસાદ અને ભગવાન ભોળાનાથના દર્શન, ચાર પહોરની આરતી, પૂજા અર્ચનાનો લાભ લીધો હતો. જયારે નીલકંઠ મહાદેવ મંદિરે ચાર પહોરની આરતી, રુદ્રાભિષેક સહિતના ભક્‍તિસભર કાર્યકમો યોજાયા હતા. દરેક શિવાલયોમાં ભાંગ પ્રસાદ રૂપે વહેંચતા ભાવિકો ભાંગનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્‍યતા અનુભવી હતી. આ ઉપરાંત શોભેશ્વર મહાદેવ મંદિર, સ્‍ટેશન રોડ પરના જડેશ્વર મંદિર, ગ્રીનચોકમાં આવેલ કુબેરનાથ મહાદેવ મંદિર, શંકર આશ્રમ, જંગલેશ્વર મહાદેવ મંદિર સહિતના તમામ નાના મોટા શિવાલયોમાં ભક્‍તોની દર્શન માટે ભીડ જામી હતી. શિવભક્‍તો આજે મહાશિવરાત્રી નિમિતે ઉપવાસ એકટાણા કરીને ભગવાન ભોળાનાથની કૃપા મેળવવાનો પ્રયાસ કર્યો હતો. દરેક શિવાલયોમાં મહાદેવ અને શિવલિંગને વિશેષ શ્રંૃગાર કરાયો હતો.

(11:30 am IST)