Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ટંકારામાં ૧૫ એકર જમીનમાં કરોડોના ખર્ચે ઋષિ દયાનંદનું સ્‍મૃતિ ભવન બનાવાશે

મહર્ષિ દયાનંદની ૨૦૦મી જન્‍મજયંતિ તથા ઋષિ બોધોત્‍સવની ઉજવણી

(હર્ષદરાય કંસારા) ટંકારા,તા. ૨૦: ટંકારામાં શિવરાત્રીના દિવસે મહર્ષિ દયાનંદ સરસ્‍વતી સ્‍મારક ટ્રસ્‍ટ દ્વારા ઋષિ બોધોત્‍સવ તથા ૨૦૦મી જન્‍મ જયંતિ ની ધામધૂમ થી ઉજવણી કરવામાં આવેલ. ટંકારામાં કરોડોના ખર્ચે ઋષિ દયાનંદ સ્‍મૃતિ ભવન ૧૫ એકરમાં બનશે. ટંકારામાં શિવરાત્રીના દિવસે ઋગ્‍વેદ પારાયણ યજ્ઞની પૂર્ણાહુતિ આચાર્ય રામદેવજીના બ્રહ્મા પદે થયેલ. ભારતભરમાંથી પધારેલા આર્ય સમાજના પદાધિકારીઓનું સન્‍માન થયેલ. તેમજ ભારતભરમાંથી પધારેલ આર્ય સમાજીઓએ ઋગ્‍વેદ પારાયણ યજ્ઞમાં આહુતી આપી ભાગ લીધેલ. ઓમ ધ્‍વજનું ધ્‍વજારોહણ પદ્મશ્રી પૂનમ સુરીના હસ્‍તે કરાયેલ. ઓમ ધ્‍વજ ગાન થયેલ.

ટંકારામાં ભવ્‍ય શોભાયાત્રા નીકળેલ. તેમાં ઉપદેશક મહાવિદ્યાલય ના વિદ્યાર્થીઓ આર્યવીર દળ ,આર્યવિરાંગના દળ ,આર્ય સમાજ ટંકારા, મોરબી ,રાજકોટ, જામનગર અમદાવાદ, ધાંગધ્રા, તથા તામિલનાડુ, કર્ણાટક, આંધ્ર, દિલ્‍હી, પંજાબ, હરિયાણા સહિત અનેક રાજયોના આર્ય સમાજીઓ જોડાયેલ.‘દેશ કો જગાને કો ઋષિ દયાનંદ આયે થે'ના નારાથી ટંકારા ગુંજી ઉઠેલ. શોભાયાત્રા દેરાસર રોડ, ઘેટીયા વાસ, લો વાસ, આર્ય સમાજ ત્રણ હાટડી, મેઇન બજાર ,જન્‍મ સ્‍થળ, બોધ મંદિર રે ફરેલ. શોભાયાત્રા નું ઠેર ઠેર સ્‍વાગત કરાયેલ.

શ્રી મહર્ષિ દયાનંદ સ્‍મારક ટ્રસ્‍ટ ખાતે ૨૦૦મી જન્‍મ જયંતી તથા ઋષિ બોધોત્‍સવ અંતર્ગત ઋષિ સ્‍મૃતિ સમારોહ સાર્વદેશિક પ્રતિનિધિ સભાના પ્રમુખ સુરેશચંદ્ર આર્ય ના અધ્‍યક્ષ સ્‍થાને યોજાયેલ. હીરો ગ્રુપના યોગેશ મુંજાલ, સુનિલ માનકટારા ,અરુણ અબ્રોલ, એમ. ડી. એચ. મસાલાના રાજીવ ગુલાઠી ,અજય સુરી, ગિરીશ ખોસલા, મીઠાઈલાલ, અજય સહગલ વિગેરે મહાનુભાવો, વિદ્વાનો સન્‍યાસીઓ ઉપસ્‍થિત રહેલ.

આ પ્રસંગે આચાર્ય વિષ્‍ણુમિત્ર વેદાર્થી એ જણાવેલ કે ૧૮૨૪ માં ટંકારાની પવિત્ર જન્‍મભૂમિમાં ઋષિએ જન્‍મ લીધો. ભારતમાં અનેક મહાનુભાવો , વિદ્વાનો થયેલ છે . તેમાં સર્વગુણ સંપન્ન મહર્ષિ દયાનંદ વિદ્વાન, યોગી, સુધારક, નિર્ભય ,બ્રહ્મચારી, સંન્‍યાસી, વક્‍તા, લેખક, સદાચારી, પરોપકારી, કર્મઠ, દેશભક્‍ત, વેદ ભક્‍ત, ઉપકારી ,આહાર શુદ્ધ ,યોદ્ધા, દયાળુ, તથા સૈનિક ના ગુણો હતા.

આર્ય સમાજની દેશભરમાં ૯૪૮ ડી.એ.વી. શૈક્ષણિક સંસ્‍થાઓ છે. જેમાં ૩૪ લાખ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. આ સંસ્‍થાઓમાં ઋષિ દયાનંદની ૨૦૦મી જન્‍મ જયંતીની બે વર્ષ સુધી ઉજવણી કરાશે.

આ પ્રસંગે ડી.એ. વી. કોલેજ પ્રબંધકારી સમિતિ ના પ્રમુખ અને મુખ્‍ય અતિથિ ડો. પૂનમ સુરી એ જણાવેલ કે ટંકારા ના નાનકડા ગામમાં ઋષિને બોધ થયો. જ્ઞાન મળ્‍યું. આ જ્ઞાનની જયોત થકી તેઓએ સારા જગતની અજ્ઞાનતા હટાવી. દયાનંદે ટંકારાને આંતરરાષ્ટ્રીય નામ અપાવ્‍યું. તેમણે જણાવ્‍યું આજે જે ડી.એ.વી. કોલેજમાં પ્રિન્‍સિપાલ બહેનો જાણે છે કે તેઓ પ્રિન્‍સિપાલ છે તે ઋષિનો ઉપકાર છે. તેમના કારણે જ તેઓ અભ્‍યાસ કરી શક્‍યા. એક સમય એવો હતો કે ગાયત્રી મંત્ર બોલનાર મહિલાની જીભ કાપી નાખવામાં આવતી હતી.

૧૮૫૭ સ્‍વતંત્રતા સંગ્રામના સૂત્રધાર મહર્ષિ દયાનંદ હતા. તેઓ જાણતા હતા કે સો વર્ષ ગુલામીના થયા તેવી જ રીતે આઝાદ થતાં પણ સો વર્ષ લાગશે. પરંતુ તેઓએ આઝાદીની પ્રેરણા આપી. ગોળીઓ અંગ્રેજ લોકોને લાગશે ત્‍યારે મહારાણીને થશે કે ભારત હવે જાગી ગયું છે. એક દિવસ ભારત છોડવું પડશે.

ડો. પુનમ સુરી એ જણાવે કે મને દુઃખ હતું કે ઋષિ દયાનંદ ને ઇતિહાસમાં જે સ્‍થાન મળવું જોઈએ તે છેલ્લા ૨૦૦ વર્ષમાં પણ મળ્‍યું નથી. પરંતુ હવે એક ગુજરાતનો પુત્ર જાગ્‍યો છે તેની મને ખુશી છે. તેણે ઋષિ દયાનંદની તેમના કાર્યોની પહેચાન કરી છે. પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઇ મોદીએ મહર્ષિ દયાનંદને જે સન્‍માન તથા સ્‍થાન આપ્‍યું છે તે ઇતિહાસમાં હજુ સુધી કોઈને મળ્‍યું નથી. ભારત સરકાર તથા સંસ્‍કૃતી મંત્રાલય બે વર્ષ સુધી ઋષિ દયાનંદની ૨૦૦મી જન્‍મ જયંતી ઉજવશે.

તેમણે જણાવ્‍યું ટંકારા થી ત્રણ કિલોમીટર દૂર હાઇવે રોડ ઉપર ૧૫ એકર જમીનમાં ઋષિ દયાનંદનું કરોડોના ખર્ચે સ્‍મૃતિ સ્‍થળ બનશે. સ્‍મૃતિ ભવન બે માળ નું ૧૩૦ ફૂટ ઊંચું બનશે. તેમાં આર્ટિફિશિયલ વર્ચ્‍યુઅલ ઈફેક્‍ટ ઊભી કરાશે .ત્‍યાં તમે નાવમાં બેઠા હોય તેવું અનુભવી, મહર્ષિ દયાનંદનું જીવન ચરિત્ર જોઈ શકશો. હરતા ફરતા ઋષિ દયાનંદ નિહાળી શકશો. તમો સવાલો પૂછી શકશો તમારા સવાલોનું જવાબ પણ આપશે વર્ચ્‍યુઅલ ઈફેક્‍ટ ઉભી કરાશે.બાળ મૂળશંકર,જન્‍મ ગ્રહ, બોધ મંદિર, ઘર છોડતા મૂળશંકર વગેરે વર્ચ્‍યુઅલ અનુભવ થઈ શકશે. નિરાલા ગુરુ ઋષિ દયાનંદનું સ્‍મૃતિ ભવન પણ નિરાલું બનશે તેમાં કરોડો રૂપિયાનો ખર્ચ થશે .

સ્‍મૃતિ સ્‍થળમાં ડી.એ.વી. શૈક્ષણિક સંસ્‍થા શરૂ કરાશે. તેમાં CBSE અભ્‍યાસક્રમ હશે . કન્‍યાઓ માટેની સ્‍કૂલ હોસ્‍ટેલ તથા આધુનિક સુવિધાઓથી સજ્જ હશે.

ઋષિ દયાનંદની ૨૦૦મી જન્‍મ જયંતિ તથા આર્ય સમાજની ૧૫૦મી સ્‍થાપના દિવસનો ગોલ્‍ડન સમય આવ્‍યો છે. સૂર્યના કિરણો ગંદકી ઉપર પડે છે આ કિરણો ગંદકીની અંદર જઈને ગંદકીના કીટાણુઓનો નાશ કરે છે. પરંતુ કિરણો ગંદા થતા નથી. એ જ રીતે દેશભરના આર્ય સમાજો, ડી.એ.વી. સંસ્‍થાઓ , સાર્વદેશિક પ્રતિનિધિ સભાઓ, પ્રાંતિય આર્ય પ્રતિનિધિ સભાઓ, મહર્ષિ દયાનંદ સ્‍મારક ટ્રસ્‍ટ વિગેરે સહુ સાથે મળી ભારતની ગંદકી દૂર કરવા લાગી જઈએ અને ભારતને ફરીથી સોનાની ચીડીયા બનાવીએ.

આ પ્રસંગે ટંકારા સમાચાર ના વાર્ષિક અંકનું વિમોચન કરાયેલ. અનેક મહાનુભાવો એ ઉદબોધન કરેલ, ભજન,સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ કરાયેલ

(11:36 am IST)