Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પોરબંદરના સોઢાણા પાસે અકસ્‍માતને નોતરુ આપતો

ભયંકર વળાંકવાળો રસ્‍તોઃ સાઇનબોર્ડ મુકવા કોંગ્રેસની માગણી

પોરબંદર તા.૨૦: અડવાણા હાઇવે પર સોઢાણા નજીક આવેલ કુંજવેલ ઓળખાતા કોઝ-વે ઉપર ગોલાઇ આવેલી છે, જયાં વારંવાર વાહન અકસ્‍માતો સર્જાઇ રહયા છે અને વાહનો રોડથી નીચે ઉતરી જાય છે તે અંગે કોંગ્રેસ દ્વારા અકસ્‍માતો અટકાવવાની માંગણી સાથે તંત્રને રજુઆત કરી છે.

પ્રદેશ કોંગ્રેસના પુર્વ સેક્રેટરી રામદેવભાઇ મોઢવાડિયાએ વહીવટીતંત્રને રજુઆતમાં જણાવ્‍યુ છે કે, પોરબંદરથી અડવાણા તરફ જતા રસ્‍તે કુંજવેલ તરીકે ઓળખાતા કોઝ-વે આવેલો છે. આ કોઝ-વે પાસે જ સોઢાણા તરફ એક ગોલાઇ આવેલી છે અને આ ગોલાઇ શરૂ થાય છે ત્‍યાં તેનું માહિતી દર્શાવતું ભયસુચક સિગ્નલનું બોર્ડ મુકવામાં આવ્‍યુ નથી. એટલું જ નહી પંરતુ ગોલાઇ બન્ને સાઇડ સ્‍પીડબ્રેકર પણ બનાવાયા નથી તથા કોઝ-વે ઉપર રેલીંગ પણ બનાવવામાં આવી નથી અહીથી વાહનચાલકો પસાર થાય છે ત્‍યારે અકસ્‍માતનો ભોગ બને છે અને વાહન સીધા જ ખેતરમાં ખાબકે છે. તે તાજેતરમાં જ આ પ્રકારના બનાવમાં એક કાર પલટી ખાઇને નીચે ઉતરી ગઇ હતી.

આ પ્રકારના બનાવ રેલીંગ અને દિશાસૂચક બોર્ડના અભાવે વધી રહયા છે. તેથી અકસ્‍માતમાં કોઇનો જીવ જાય તે પહેલા જ તંત્રએ યોગ્‍ય વ્‍યવસ્‍થા ગોઠવવી જરૂરી બની છે. તેમ રજુઆતમાં જણાવેલ છે.

આ રસ્‍તા ઉપર ધુળ અને કાંકરીનું પ્રમાણ પણ વધી ગયું છે. તેથી ટુ વ્‍હીલર લઇને પસાર થતા ચાલકોના બાઇક અને સ્‍કુટર સ્‍લીપ થઇ રહયા છે. માટે તંત્રએ યોગ્‍ય સુચના આપીને રસ્‍તા ઉપરની ધુળ અને કાંકરીની  સાફસફાઇ પણ તાત્‍કાલીક કરાવવી જોઇએ તેમ રજુઆતમાં રામદેવભાઇ મોઢવાડિયાએ જણાવ્‍યુ છે.

(11:46 am IST)