Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત શિવાજી જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રા યોજાઇ

છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ સાથેનો ફલોટ્‍સ તેમજ ઘોડેશ્વાર શિવાજી મહારાજને નગર ભ્રમણ કરાવાયું

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૦ : જામનગર શહેરમાં સૌપ્રથમ વખત શ્રી ગણેશ મરાઠા મંડળ- ચાંદી બજાર દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની શિવાજી જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્‍યું હતું, અને ગઈકાલે રવિવારના સાંજે પાંચ વાગ્‍યે ચાંદી બજાર વિસ્‍તારમાંથી શોભાયાત્રા નીકળી હતી, અને નગર ભ્રમણ કર્યું હતું.

જેમાં શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફલોટ્‍સ તૈયાર કરાયો હતો, તેમ જ ઘોડેશ્વાર શિવાજી મહારાજની વેશભૂષામાં શ્રી ગણેશ મરાઠા મંડળના પ્રમુખ રાજુભાઈ જગદાળે જોડાયા હતા અને ઘોડેશ્વર થઈને નગર ભ્રમણ કર્યું હતું. આ વેળાએ ગણેશ મરાઠા મંડળના પરિવારના બહેનો બાળકો પણ સુંદર આકર્ષક વેશભૂષા ધારણ કરીને શિવાજીની નગરયાત્રામાં જોડાયા હતા અને નગર ભ્રમણ કર્યું હતું.

જામનગરમાં ચાંદી બજાર વિસ્‍તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ મહોત્‍સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત શિવાજી મહારાજની જન્‍મ જયંતિની વિશેષ ઉજવણીના ભાગરૂપે ગઈકાલે રવિવારના દિવસે ૩૯૬મી શિવાજી મહારાજની જન્‍મ જયંતી નિમિત્તે સાંજે ચાંદી બજાર વિસ્‍તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રાનો પ્રારંભ કરાયો હતો.

ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્‍ટ્રલ બેન્‍ક રોડ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજાર વિસ્‍તારમાં પરિપૂર્ણ થઇ હતી. જેમાં શ્રી ગણેશ મરાઠા મંડળના સભ્‍યો ઉપરાંત અન્‍ય નગરજનો બહોળી સંખ્‍યામાં જોડાયા હતા.

સપડાના ડુંગર પરથી ૨૨ કી.મી. લાંબી શિવ જયોત યાત્રા યોજાઈ

જામનગરના શ્રી ગણેશ મરાઠા મંડળદ્વારા શિવાજી જયંતિની ઉજવણીના ભાગરૂપે સપડા ગણેશ મંદિરની પાસે જ આવેલા મહાકાળી માતાજીના મંદિરેથી શિવ જયોત પ્રગટાવીને ૨૨ કિલોમીટર લાંબી શિવ જયોત યાત્રા' પણ યોજવામાં આવી હતી. શિવજયોતને પગપાળા ચાલીને જામનગર સુધી લાવવામાં આવી હતી, અને જામનગરના ચાંદી બજાર વિસ્‍તારમાં શિવાજી મહારાજની પ્રતિમા પાસે તૈયાર કરાયેલા મંડપ સામીયાણામાં શિવજયોત યાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી અને ત્‍યાં આરતી પણ થઈ હતી. ત્‍યારબાદ શિવાજી યાત્રાનું પ્રસ્‍થાન કરાવવામાં આવ્‍યું હતું.(

(1:04 pm IST)