Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

હળવદ નજીક જુગારની મહેફિલ ઉપર પોલીસ ત્રાટકી : ૪ ઝડપાયા : ત્રણ મુઠ્ઠીઓ વાળી ભાગ્‍યા

પોલીસે ૩ બાઇક, મોબાઇલ, રોકડ સહિત ૮૭,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૨૦ : હળવદ - રાયસંગપર રોડ ઉપર પીપરાળી સિમ વિસ્‍તારમાં વોકળા કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગારીઓમાં નાસભાગ મચી ગઇ હતી અને દરોડા દરમિયાન પોલીસે ચાર જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા હતા જો કે, મોકાનો ફાયદો ઉઠાવી ત્રણ જુગારીઓ મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા.

જુગાર દરોડા અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ - રાયસંગપર રોડ ઉપર પીપરાળી સિમ વિસ્‍તારમાં વોકળા કાંઠે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસે દરોડો પાડતા જુગાર રમી રહેલ રાજેશભાઈ અમરશીભાઈ એરવાડિયા, જનકભાઈ ગુણવંતરાય પંચોલી, હરેશભાઇ શંકરભાઇ પરેજીયા અને મેહુલ ઉર્ફે મેરો કાળુભાઇ કણઝારીયા ઝડપાઇ ગયા હતા જયારે મહેબૂબ ઉર્ફે રેવુ સિપાઈ, ગુલાબ શેખ ઉર્ફે માસ્‍તર અને ધર્મેન્‍દ્રભાઈ ચમનભાઈ ગોઠી નામના ત્રણેય જુગારીઓ પોલીસને જોઈ મુઠ્ઠીઓ વાળી નાસી ગયા હતા.

જુગાર અંગેના આ દરોડામાં પોલીસે રોકડા રૂપિયા ૧૨,૪૦૦, ત્રણ મોટર સાયકલ કિંમત રૂપિયા ૭૦,૦૦૦ અને એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૫૦૦૦ કબ્‍જે કરી કુલ ૮૭,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી સાતેય જુગારીઓ વિરૂદ્ધ જુગારધારા અન્‍વયે ગુન્‍હો દાખલ કરી નાસી છૂટેલા આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે

(1:16 pm IST)