Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

યુવાઓને સાચી દિશામાં લઇ જવાનું કાર્ય ગુરુ ભગવંતો જ કરી શકે છે : ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી

દ્વારકા નજીક બરડીયા પાસેના દ્વારિકા નેમી જિન તીર્થના મહોત્‍સવમાં સહભાગી થતાં ગૃહરાજ્‍ય મંત્રી : ગૃહ રાજ્‍યમંત્રી હર્ષ સંઘવી અને પ્રવાસન મંત્રી મુળુભાઇ બેરાનું સ્‍વાગત કરાયું

(કૌશલ સવજાણી -વિનુભાઇ સામાણી) ખંભાળીયા-દ્વારકા,તા. ૨૦:ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકાથી થોડા અંતર પર આવેલા બરડિયા ગામ નજીક નિર્માણ પામેલા દ્વારિકા નેમિજીન તીર્થ (બાવન જિનાલય) જૈન તીર્થના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્‍સવ નિમિતે ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રીી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબહેન માડમ, ધારાસભ્‍ય પબુભા માણેક સહિતના ઊપસ્‍થિત રહ્યા હતા.

ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્‍યું હતું કે, નેમિનાથ જૈન દેરાસરએ અદભુત છે. ટુંકા સમય ગાળામાં જ દેરાસરનું નિર્માણ થયું તે ખૂબ જ સરાહનીય છે.

મંત્રીએ વધુમાં જણાવ્‍યું કે દુષણો દૂર કરવા, યુવાઓને સાચી દિશામાં વાળવાનું કામ માત્ર ગુરુ ભગવંતો જ કરી શકે છે. ગુરુ ભગવંતોના માર્ગદર્શનનાં લીધે યુવાઓને સાચી દિશા મળી રહી છે. ત્‍યારે આપણે ઈશ્વર શક્‍તિનો સંપૂર્ણ સદુપયોગ કરવો જોઈએ.

મંત્રીએ આગળ જણાવ્‍યું કે, ડ્રગ સામેની લડાઇ એ સામાન્‍ય નથી. ગુજરાત પોલીસે ડ્રગ આવતું રોક્‍યું અને હજુ પણ વધુ મજબૂતીથી આ દિશામાં આગળ વધીશું. ઉપરાંત સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ પણ લોકો લે તેમ અંતમાં કહ્યું હતું. આ તકે ગૃહ રાજય મંત્રી હર્ષભાઈ સંઘવી અને પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરા સહિતના મહાનુભાવોનું સ્‍વાગત પણ કરવામાં આવ્‍યું હતું. (તસ્‍વીર : દિપેશ સામાણી -દ્વારકા)

(1:23 pm IST)