Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મ્‍યાનમારના યાંગોન સીટીમાં ગોંધી રખાયેલા તાલાલાના યુવાનને ગીર સોમનાથ પોલીસે હેમખેમ મુક્‍ત કરાવ્‍યો

રેન્‍જ આઇજીપી, ડીજીપી, ગૃહમંત્રી, કેન્‍દ્રના ગૃહ વિભાગ અને ઇમિગ્રેશન વિભાગનો સતત સંપર્ક કરી ત્‍યાંની એજન્‍સી મારફત મુક્‍ત કરાવાયોઃ દુબઇ નોકરીમાં ગયો, ત્‍યાંથી થાઇલેન્‍ડ નોકરીના બહાને મ્‍યાનમાર લઇ જવાયો હતોઃ પણ કંપની ફ્રોડ હોઇ વતન કરવાની વાત કરતાં ગોંધી રખાયો હતોઃ તક જોઇ માતા-પિતાને ફોન કરતાં તાલાલા પોલીસને જાણ થઇ હતી : ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજા અને ટીમે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

રાજકોટ તા. ૨૦: તાલાલાના પીપળવાનો એક આશાસ્‍પદ યુવાન દુબઇ નોકરી કરવા ગયો હતો અને ત્‍યાંથી વધુ પગારની લાલચ આપી તેને થાઇલેન્‍ડ ખાતે નોકરી પર મોકલવાને બહાને મ્‍યાનમારના વિઝા બનાવી ત્‍યાં મોકલી દેવાયો હતો. પરંતુ ત્‍યાંની કંપની ફ્રોડ કરતી હોવાનું જણાતાં આ યુવાને પરત ભારત જવા આજીજી કરી હતી. પરંતુ તેને મ્‍યાનમારના યાંગોન સીટી ખાતે ઓરડામાં ગોંધી રખાયો હતો. આ મામલે યુવાને વતનમાં માતા-પિતાને ફોન કરતાં ગીર સોમનાથ એસપી સુધી વાત પહોંચતા તેમણે તુરત જ પગલા લઇ આ યુવાનને હેમખેમ મુક્‍ત કરાવી તાલાલા તેના પરિવારજનો સાથે મિલન કરાવતાં પરિવારજનોએ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

તાલાલાનો નિરવ જગમાલભાઇ બામરોટીયા (ઉ.વ.૨૦) તા. ૧૪/૯/૧૧ના રોજ અમદાવાદના એજન્‍ટ મારફત દુબઇ ખાનગી કંપનીમાં નોકરી કરવા ગયો હતો. જ્‍યાં ત્રણ માસ નોકરી કર્યા બાદ તેને વધુ પગારની લાલચ આપી થાઇલેન્‍ડ નોકરી કરવા મોકલવાને બહાને મ્‍યાનમારના વિઝા બનાવી ૧૨/૧૨/૨૨ના રોજ મ્‍યાનમારના યાંગોન સીટી ખાતે મોકલી દેવાયો હતો. પરંતુ ત્‍યાંની કંપની ફ્રોડ કરતી હોવાનું જણાતાં નિરવે પોતાને નોકરી નથી કરવી અને વતન પરત જવું છે તેવી વાત કરતાં નીરવ તથા બીજા છોકરાઓને ઓરડામાં ગોંધી રખાયા હતાં.

તક જોઇ નિવરે તાલાલા માતા-પિતાને ફોન જોડી વાત કરતાં તાલાલા પોલીસમાં અરજી અપાઇ હતી. જે અંતર્ગત ગીર સોમનાથ એસપીશ્રી મનોહરસિંહ જાડેજાએ જુનાગઢ રેન્‍જ આઇજીપી મયંકસિંહ ચાવડા, ડીજીપી ગાંધીનગર તથા ગૃહવિભાગ, ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવીને તેમજ ભારત સરકારના ગૃહ વિભાગ અને વિદેશ મંત્રાલય તથા ઇમિગ્રેશન વિભાગમાં જાણ કરી હતી. શ્રી જાડેજાની સાથે ડીવાયએસપી વી.આર. ખેંગાર, વેરાવળ સર્કલ પીઆઇ એમ. યુ. મસી, તાલાલા પીએસઆઇ આર. એમ. મારૂ સહિતે સતત અલગ અલગ વિભાગોના સંપર્કમાં રહી ફસાયેલા નિરવનો બાયોડેટા તથા તેના વિઝા, પાસપોર્ટની વિગતો મ્‍યાનમાર યાંગોન સીટીના લોકેશન બાબતની માહિતી ઇમિટ્રેશન વિભાગને મોકલી હતી. જેથી ત્‍યાં ગોંધી રખાયેલા નિરવને ત્‍યાંની એજન્‍સી મારફત સહિ સલામત છોડાવી લેવાતાં તા. ૧૯/૨/૨૩ના રોજ નિરવ પીપળવા તેના ગામે પહોંચ્‍યો હતો.

નિરવ યાંગોન સીટીથી કોલકત્તા ફલાઇટમાં અને ત્‍યાંથી અમદાવાદ થઇ પોતાના ગામ પહોંચ્‍યો હતો. આમ ગુજરાત પોલીસના પ્રયોસોથી વિદેશમાં ફસાયેલો યુવાન સહીસલામત તેના ઘરે પહોંચતા પરિવારજનોએ ગૃહમંત્રી, એસપી તેમજ પોલીસ અધિકારીઓની અન્‍ય ટીમનો આભાર માન્‍યો હતો.

(3:54 pm IST)