Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા હાલ પૂરતી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત

યાર્ડે કહ્યું -બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ : નવી જાહેરાત થાય ત્યારે જ ધાણાની આવક લેવામાં આવશે

ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાની જંગી આવક થતા ખેડૂતોમાં ખુશીમાં માહોલ છવાયો હતો. માર્કેટ યાર્ડમાં અંદાજે દોઢ લાખથી વધુ ગુણી ધાણાની આવક નોંધાઈ હતી. ધાણાનો ભાવ રૂપિયા 1100થી 2200 સુધી બોલાયા હતા. જોકે ખેડૂતોને હજી પણ વધારે ભાવ મળશે તેવી આશા છે અને ગત વર્ષ કરતાં ધાણાની વધુ આવકની શકયતાના પગલે યાર્ડ દ્વારા બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ કરાઈ છે. ધાણાની પુષ્કળ આવકના કારણે શેડ બહાર દુકાન પાસે પાક ઉતારવાની ખેડૂતોને ફરજ પડી હતી.

  ગત વર્ષે ખેડૂતોને 20 કિલો ધાણાના ભાવ 1500થી 3200 ભાવ મળ્યા હતા. આથી ખેડૂતોના મતે આ વર્ષે ધાણાના ભાવ ઓછા મળી રહ્યા છે. મોટી સંખ્યામાં ખેડૂતો ધાણા વેચવા આવી રહ્યા છે, જેથી યાર્ડની બહાર 7 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈન લાગી હતી. ધાણાના  હાલના જે ભાવ મળી રહ્યા છે તેના પગલે ખેડૂતો થોડા નિરાશ છે અને એવી આશા સેવી રહ્યા છે કે તેમને ગત વર્ષની જેમ હજી પણ ધાણાના સારા ભાવ મળશે.

  જોકે હાલ પૂરતું તો ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા હાલ પૂરતી ધાણાની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે બીજી જાહેરાત ન થાય ત્યાં સુધી ધાણાની આવક બંધ રાખવામાં આવી છે, આથી હવે જ્યારે નવી જાહેરાત થાય ત્યારે જ  ધાણાની આવક લેવામાં આવશે.

(6:50 pm IST)