Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

દ્વારકા સહિત 15 રેલવે સ્ટેશનોનું રી-ડેવલોપમેન્ટ કરાશે :રાજકોટ સુધી લંબાવાઈ શકે વંદે ભારત ટ્રેન

સૌરાષ્ટ્રમાં રેલવેના નિરીક્ષણ માટે આવેલા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે મહત્વની માહિતી આપી: રાજકોટ ડિવિઝનમાં જલદી ઇલેક્ટ્રીફિકેશનનું કામ પૂર્ણ થઈ જશે.

રાજકોટઃ સૌરાષ્ટ્ર માટે રાજકોટ ખુબ મોટું સેન્ટર છે. ત્યારે રેલવેની કનેક્ટિવિટી પણ ખુબ મહત્વની છે. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ રાજકોટ ડિવિઝનમાં ઈન્સ્પેક્શન કર્યું હતું. તેમણે સુરેન્દ્રનગરથી હાપા રેલવે સ્ટેશન વચ્ચે નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન સુરેન્દ્રનગરથી રાજકોટ વચ્ચે બનેલા ડબલ ટ્રેક કામગીરીને પણ જોઈ હતી. વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે આ દરમિયાન એક મહત્વની માહિતી આપી છે.

 વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે નિરીક્ષણ દરમિયાન જે જગ્યાએ બેદરકારી દેખાણી તેને દૂર કરવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમણે કહ્યું કે જૂન સુધીમાં સમગ્ર રાજકોટ ડિવિઝનમાં ઇલેક્ટ્રીફિકેશનનું કામ પૂર્ણ થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે આવનારા દિવસોમાં રાજકોટ રેલવેને વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો મળવાની શક્યતા છે. નોંધનીય છે કે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાએ પણ વંદે ભારત ટ્રેનને રાજકોટ સુધી લંબાવવા માટે રેલ મંત્રીને રજૂઆત કરી હતી. 

 

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે કહ્યું કે લાંબા અંતરની જે મુખ્ય ટ્રેન છે, તેને અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે મેન્ટેનન્સમાં આઠ કલાક જેટલો સમય લાગે છે, તેવી ટ્રેનોને રાજકોટ સુધી લંબાવવાની પૂરેપૂરી શક્યતા છે. આ સાથે તેમણે કહ્યું કે રાજકોટ ડિવિઝનમાં ઇલેક્ટ્રિકફિકેશનનું કામ ઝડપી પૂર્ણ કરવા માટે અધિકારીઓને સૂચના આપી છે. 

વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરે કહ્યું કે, રાજકોટ ડિવિઝનમાં રાજકોટ સહિત કુલ 15 સ્ટેશનોને અમૃત ભારત યોજના અંતર્ગત રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, ઓખા, સુરેન્દ્રનગર, ભક્તિનગર અને વાંકાનેર સહિત 15 સ્ટેશનોનું જાન્યુારી 2024 સુધીમાં રી-ડેવલોપમેન્ટ કરવામાં આવશે. આ સાથે રાજકોટમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોવાને કારણે રાજકોટ જંક્શન પર બે પ્લેટફોર્મ પણ વધારવામાં આવશે. 

(7:54 pm IST)