Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબી પાલિકામાં સર્વરમાં ખામીઓ સર્જાતા કરવેરા ભરવામાં લોકોને મુશ્કેલી.

સરકારની કરવેરા ઉપર વ્યાજમાફીની યોજના લાગુ કરાતા લોકોએ કરવેરા ભરવા લાઈનો લગાવી પણ સર્વર ડાઉન થઈ જતા લોકોને ભારે ધરમના ધક્કા.

 મોરબી નગરપાલિકામાં કરવેરા ઉપર સરકારની વ્યાજમાફીની યોજના લાગુ કરતા લોકોએ કરવેરા ભરવા માટે લાઈનો લગાવી હતી. પર સર્વરના ધાંધિયા થતા લોકોને કરવેરા ભરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે અને વારંવાર સર્વર ડાઉન થઈ જતા કલાકો સુધી ઉભા રહેવા છતાં કરવેરા ભરવા માટે વારો ન આવતા લોકોને ધરમના ધક્કા થઈ રહ્યા છે.

   મોરબી નગરપાલિકાએ તાજેતરમાં ખાસ કરીને કરવેરા ભરવા માટે લોકો આગળ આવે તેવા હેતુસર સરકારની આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળની કરવેરા ઉપર વ્યાજમાફીની યોજનાને 31 માર્ચ સુધી લાગુ કરી હતી. જ્યારે આ વર્ષે કુલ નગરપાલિકાને લોકો પાસેથી કરવેરા રૂપે રૂ.29.76 કરોડની વસુલાત કરવાની હતી. એમાંથી હવે એક મહિનાથી વધુ સમય બાકી હોય ત્યારે માત્ર રૂ.9.36 કરોડના જ કરવેરાની વસુલાત થઈ શકી છે. એટલે કરવેરાની મોટાભાગની વસુલાત હજુ બાકી છે. ત્યારે આ એક મહિનામાં પાલિકા કેવો જાદુ કરશે કે કરવેરાનો ટાર્ગેટ પૂરો થઈ શકે ? આવી સ્થિતિમાં બાકીદારો વ્યાજમાફીનો લાભ લેવા કરવેરા ભરવા માટે આગળ આવ્યા છે
લોકો કરવેરા ભરવા માટે છેલ્લા ત્રણ ચાર દિવસથી નગરપાલિકામાં ભારે ઘસારો કર્યો છે. પરંતુ સર્વરના ધાંધિયા યથાવત રહ્યા છે. સર્વર વારંવાર બંધ થઈ જતા કલાકો સુધી સર્વર ડાઉન જ રહેતા લોકોને ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. સર્વર કલાકો સુધી ડાઉન રહેતા લોકો લાઈનોમાં ઉભા રહીને કંટાળી જાય છે અને બીજી વખત પણ આવી પરિસ્થિતિ થવાથી લોકોને કરવેરા ભરવામાં ભારે હાલાકી પડે છે. લોકો છેલ્લી ઘડીએ કરવેરા ભરવા માટે તૈયાર છે પણ તંત્રની અણધડ નીતિને કારણે લોકો કરવેરા ભરી શકતા નથી. તેથી તંત્ર આ બાબતે યોગ્ય વ્યવસ્થા કરે જેથી લોકો કરવેરા ભરી શકે અને સમયસર પાલિકાનો પણ કરવેરાનો ટાર્ગેટ પૂરો થઈ શકે

 

(11:23 pm IST)